આ પહેલા સચિન અને કોહલીના પિતાના અવસાન બાદ તુરંત મેદાનમાં આવીને શાનદાર બેટિંગ કરી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૪૨મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ દિલ્હી ડેરડેવિલ્સના ૨૦ વર્ષના ઋષભ પંતે આક્રમક બેટિંગ કરી સદી ફટકારી હતી. પંત આ ઇનિંગમાં ૬૩ બોલમાં ૧૨૮ રનની આક્રમક ઇનિંગ રમ્યો હતો. વર્તમાન આઈપીએલ સિઝનમાં આ અત્યાર સુધીની સૌથી મોટી સદી છે.

આ સાથે ઋષભ પંત આઈપીએલ ૧૧માં સૌથી વધુ ૫૨૧ રન બનાવીને ઑરેન્જ કેપ હોલ્ડર બની ગયો છે. આ વર્ષે ઋષભને ૧૫ કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. પંતને આટલી મોટી રકમ કેમ મળી, તેની પાછળ મોટું કારણ છે.

પંત ભારતનો એક ઊભરતો યુવા બેટ્સમેન છે. ગયા વર્ષે ઋષભના પિતાનું નિધન થઈ ગયું હતું, તેમ છતાં તેણે બીજા દિવસે મેદાન પર ઊતરી એક સાહસિક ઇનિંગ રમી હતી. આઈપીએલના ઓફિશિયલ રેકોર્ડ મુજબ, પંતે ૯ એપ્રિલ, ૨૦૧૭ના રોજ ૩૬ બોલમાં ૫૭ રન બનાવ્યા હતા, જ્યારે તેના એક દિવસ પહેલાં તે પિતાના અંતિમ સંસ્કાર કરીને પાછો ફર્યો હતો.

પિતાને ગુમાવી મેદાન પર ઊતરવાનો અનુભવ ભલે વ્યક્ત કરવો મુશ્કેલ હોય, પણ પંત પહેલાં સચિન તેંડુલકર સાથે ૧૯૯૯ વર્લ્ડ કપમાં આવું જ કંઈક થયું હતું. ક્રિકઇન્ફોના અનુસાર, ૨૩ મે, ૧૯૯૯ના રોજ ભારત અને કેનિયા વચ્ચે વર્લ્ડ કપ ટુર્નામેન્ટની ૧૫મી મેચ રમાવાની હતી, પરંતુ તેના ચાર દિવસ પહેલાં જ ટીમ ઇન્ડિયાને એક દુ:ખદ સમાચાર મળ્યા હતા. ટીમના સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરના પિતાનું નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ તેંડુલકર તુરંત ઇંગ્લેન્ડથી ભારત પાછો ફર્યો હતો.

લોકો એવું વિચારતા હતા કે, સચિન કદાચ વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ અધવચ્ચે છોડી દેશે, પરંતુ અંતિમ સંસ્કાર બાદ સચિન મેદાન પર પાછો ફર્યો હતો અને તેણે ૨૩ મેના રોજ કેનિયા સામે અણનમ ૧૪૦ રનની ઇનિંગ રમી હતી. આ સદીને તેણે પિતાને સમર્પિત કરી હતી.

ટીમ ઇન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ પણ આવી જ સ્પોર્ટમેન સ્પિરિટ બતાવી હતી. વિરાટ જ્યારે ૧૮ વર્ષનો હતો ત્યારે તેનાં પિતાનું નિધન થયું હતું. ૧૯ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ તેના પિતાનું નિધન થયું ત્યારે તે સમયે વિરાટ રણજી મેચ રમી રહ્યો હતો.

દિલ્હી તરફથી રમતી વખતે વિરાટ ૪૦ રને અણનમ હતો ત્યારે સમાચાર આવ્યા હતા કે તેના પિતા આ દુનિયામાં નથી રહ્યા. વિરાટ તુરંત તેના ઘરે ગયો હતો અને પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે વિરાટ મેદાન પર ઊતર્યો હતો અને ૯૦ રનની યાદગાર ઇનિંગ રમીને પોતાની ટીમને પરાજયથી બચાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.