સોમવારે આવેલા શ્રેણીબદ્ધ ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી આપી સંવેદનશીલ વિસ્તારો ખાલી કરાવવાનો અને લોકોને વહેલામાં વહેલી તકે ઘરે પહોંતી જવાનો આદેશ આપ્યો હતો.શ્રેણીબદ્ધ ભૂકંપને કારણે પશ્ચિમ કિનારે આવેલા મુખ્ય ટાપુ પર લોકો કાટમાળ હેઠળ ફસાઈ ગયા હતા અને આગ લાગવાની ઘટનાઓ પણ બની હતી. જાપાન સરકારે લોકોના સ્થળાંતર કરાવ્યા બાદ જણાવ્યું હતું કે દેશ માટે તેના લોકોને બચાવવા એ પ્રાથમિક ફરજ છે. જે લોકો હાલ મકાનમાં રહી રહ્યા છે તેઓ ખુલ્લા મેદાનમાં પહોંચી જાય જેથી જાનહાની ટળી શકે.

32 હજાર મકાનોમાં વીજળી ગુલ: 24 લોકોના મોત નિપજ્યા

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સોમવારે બપોરે ચાર વાગ્યા બાદ ઈશિકાવા કિનારા વિસ્તારમાં એક ડઝન કરતા પણ વધુ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા જેમાંનાં એક ભૂકંપની તીવ્રતા 7.6 નોંધાઈ હતી. ભૂકંપને કારણે અનેક ઈમારતો તૂટી પડી હતી. જોકે આ ઘટનામાં કેટલા લોકોનાં મોત અને કેટલાં ઘાયલ થયાં હતાં તેની જાણ થઈ શકી નહોતી. હવામાન ખાતાએ ઈશિકાવા વિસ્તારમાં સુનામીની ચેતવણી આપી હતી અને હોન્સુ ટાપુના બાકીના પશ્ચિમી કિનારા વિસ્તાર અને હોક્કાઈડો ટાપુ માટે નાના સુનામીની ચેતવણી આપી માર્ગદર્શિકા જાહેર કરી હતી. અમુક વિસ્તારમાં ચેતવણી હળવી કરવામાં આવી હતી.

સુનામીને કારણે પાણીનાં મોજાં પાંચ મીટર એટલે કે અંદાજે 16.5 ફૂટ જેટલા ઊંચા ઉછળે એવી ચેતવણી આપી લોકોને વહેલામાં વહેલી તકે ઊંચાણવાળા વિસ્તારમાં કે પછી નજીકની ઊંચી ઈમારતોમાં ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

અનેક આફટરશોકને કારણે સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો હતો. સુનામીનાં મોજાં સતત આવતા રહેશે એવી ચેતવણી પણ સતત આપવામાં આવી હતી.

કિનારા વિસ્તારમાં વસતા લોકો માટે સુનામીથી બચવું મુશ્કેલ હોવાનું સરકારી પ્રવક્તા યોશિમાહા હાયાશીએ કહ્યું હતું.પ્રત્યેક મિનિટ મહત્ત્વની છે એટલે વહેલામાં વહેલી તકે એ વિસ્તાર ખાલી કરી દેવાની તેમણે લોકોને હાકલ કરી હતી. નિગાટામાં ત્રણ મીટર એટલે કે અંદાજે 10 ફૂટ ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.

ભૂકંપને કારણે ઓછામાં ઓછાં છ ઘરને નુકસાન થયું હતું અને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. વાજિમા શહેરમાં ભૂકંપને કારણે આગ ફાટી નીકળી હતી અને 32,000 જેટલા ઘરનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. વીડિયોફૂટેજમાં લોકો રહેવાસી વિસ્તારમાં લાગેલી આગથી બચવા રસ્તાઓ પર દોડતા જોવા મળ્યા હતા. પીઠમાં બાળકી સાથે મહિલા સહિત લોકો રસ્તા પર પડેલી મોટી તિરાડો પાસે ઊભેલા જોવા મળ્યા હતા.એ વિસ્તારમાં બૂલેટ ટ્રેન રોકી દેવામાં આવી હતી. હાઈવેનો અમુક વિસ્તાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. અમુક વિસ્તારોમાં મોબાઈલ સેવા પણ ઠપ થઈ ગઈ હતી.શ્રેણીબદ્ધ ભૂકંપને કારણે ભેખડો ધસી પડવાનું અને ઘરો તૂટી પડવાનું જોખમ વધી ગયું હતું.

દરમિયાન, શ્રેણીબદ્ધ ભૂકંપને પગલે વહીવટકર્તાઓ દ્વારા આપવામાં આવેલી સુનામીની ચેતવણીને ધ્યાનમાં રાખીને જાપાનસ્થિત ભારતીય એલચીકચેરીએ સહાય ઈચ્છતા ભારતીયો માટે પહેલી જાન્યુઆરીએ તાકીદે કંટ્રોલ રૂમ ઊભું કર્યું હતું. સહાય માટે ઈમરજન્સી નંબર કે ઈમેલ મારફતે સંપર્ક કરવાની પણ સુવિધા ઊપલબ્ધ કરવામાં આવી હતી, એમ જાપાનસ્થિત ભારતીય એલચીકચેરીએ જણાવ્યું હતું. ભૂકંપ બાદ 13 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું હતું.

ટોક્યો સ્થિત ભારતીય દૂતાવાસે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર્સ જાહેર કર્યા

ભારત દૂતાવાસ, ટોક્યો, જાપાન દ્વારા ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં  ભૂકંપ અને સુનામીના સંબંધમાં કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરવા માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. નીચેના ઇમરજન્સી નંબરો અને ઇમેઇલ આઇડી પર કોઈ પણ જાતની મદદ માટે સંપર્ક કરી શકાય છે.

  • +81-80-3930-1715 (યાકુબ ટોપનો)
  • +81-70-1492-0049 (અજય સેઠી)
  • +81-80-3214-4734 (ડી.એન. બરનવાલ)
  • +81-80-6229-5382 (એસ. ભટ્ટાચાર્ય)
  • +81-80-3214-4722 (વિવેક રાઠી)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.