રાહુલ ગાંધી રાજીનામાના નિર્ણય પર અડગ: નેતાઓ તેમને મનાવવા કરી રહ્યા છે મથામણ

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. જેમાંથી પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી રાજીનામા પર પોતાનું અકકડ વલણ અપનાવી રહ્યાં છે. સોમવારે વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને મહાસચિવ કે.સી. વેણુગોપાલ રાહુલને મળ્યા હતા પરંતુ રાહુલે ફરી એકવાર નવા નેતા પસંદ કરવાની વાત કરી છે. દરમિયાન સોમવારે રાહુલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવાનો સમય આપ્યો હતો પછીથી મળવાનો ઈન્કાર પણ કર્યો હતો. રાજસ્થાનની હાર પછી જાણે કોંગ્રેસ પક્ષમાં ગજાગ્રહ જામ્યો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

આગામી દિવસોમાં જો રાહુલ ગાંધી પોતાનું રાજીનામુ પરત ખેંચવાની વાત પર નહીં રાજી થાય તો આગામી દિવસોમાં પક્ષનું રાષ્ટ્રીય સંમેલન બોલાવી તેમના રાજીનામા અંગે પુન: વિચાર કરવા જણાવાશે. તેમાં એ.કે.એન્ટેની, અહેમદ પટેલ અને કેપ્ટન અમરિન્દરસિંગનો પણ સમાવેશ થાય છે. હારના કારણોની સમીક્ષા અને પક્ષના માળખામાં ધડમુળથી ફેરફાર કરવા ટૂંક સમયમાં સમીતીની રચના કરવાની વાત કરવામાં આવી રહી છે.

બીજીબાજુ કોંગ્રેસ પ્રવકતા રણદિપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, રાહુલ રાજીનામા પર અકકડ વલણ અપનાવી રહ્યાં હોવાની વાત ખોટી છે. દરમિયાન પંજાબ, ઝારખંડ અને આસામના પ્રદેશ પ્રમુખોએ પણ રાજીનામા આપી દીધા છે. પંજાબ કોંગ્રેસના વડા સુનીલ ઝાખડ, ઝારખંડ કોંગ્રેસના વડા અજય કુમાર અને આસામ કોંગ્રેસના રિપુન બોરાએ રાજીનામુ આપ્યું હતું. અત્યાર સુધીમાં દેશભરમાંથી ૧૩ જેટલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રાહુલને રાજીનામા મોકલી આપ્યા છે.

આ તમામ નેતાઓ ચૂંટણી સમય દરમિયાન પોતાના નબળા દેખાવ અને પોતાની જવાબદારી સમજી રાજીનામા મોકલી દીધા છે. પંજાબમાં ગુરુદાસપુરની બેઠક પરથી સની દેઓલ સામે હારી ગયેલા સુનિલ હવે કોંગ્રેસની જવાબદારી સંભાળવા તૈયાર નથી. અગાઉ મહારાષ્ટ્રના અધ્યક્ષ અશોક ચૌહાણ, ઓરીસ્સાના નિરંજન પટનાયક અને યુપીના કોંગ્રેસ અધ્યક્ષ પણ રાજીનામાની તૈયારી દર્શાવી હતી.

કર્ણાટક પ્રચાર સમીતીના પ્રમુખ એચ.કે. પાટીલ ગયા અઠવાડિયે જ રાજીનામુ આપી દીધું હતું. જો કે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંગે ઝાખરનું રાજીનામુ નામંજૂર કર્યું હતું. મોદી વેવ છતાં પંજાબમાં કોંગ્રેસે ૧૩માંથી ૮ બેઠકો જીતી છે પરંતુ ઝાખરી ગુરુદાસપૂરની બેઠક હાર્યા હતા. જયાં ૨૦૧૭ની પેટા ચૂંટણીમાં ભાજપ પાસેથી મોટી સરસાઈમાં આ બેઠક ઝુંટવી લીધી હતી.

ઝારખંડ કોંગ્રેસના પ્રવકતાએ અજયકુમારના રાજીનામાની પુષ્ટી કરી હતી ત્યારે ઝારખંડની પરિસ્થિતિ વધુ ખરાબ થઈને સામે આવી છે. આસામના પણ પક્ષ પ્રમુખે રાજીનામુ આપતા યોગ્ય વ્યક્તિને સુકાન સોંપવાની ભલામણ કરી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસે અકલ્પનીય હારનો સામનો કરવો પડયો છે ત્યારે ગ્રામ્ય કક્ષાની નેતાગીરીને કારણે નબળુ પરિણામ આવ્યું હોવાનું પણ સામે આવે છે. રાહુલ ગાંધી પોતાના રાજીનામા માટે હજુ પણ અડગ છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમને મનાવવા માટે મથામણ કરી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યાનુસાર રાહુલ ગાંધી હવે તેના નવા મત વિસ્તાર વાઈનાડમાં બરાબર ધ્યાન આપી શકે તે માટે જવાબદારી ઓછી કરવા માંગે છે. રાહુલ મતદારોનો આભાર માનવા વાયનાડના બે દિવસના પ્રવાસે આવવાના છે ત્યારે રાહુલ ગાંધી પોતાની જવાબદારી અન્ય યોગ્ય વ્યક્તિને સોંપી પદ ત્યાગ માટે મકકમ છે ત્યારે નેતાઓ રાહુલને રાજીનામુ ન આપવા માટે સમજાવી રહ્યાં છે.

સોમવારે રાજસ્થાનના નેતા અશોક ગેહલોત દિલ્હીમાં હોવા છતાં રાહુલને મળ્યા વગર પાછા ચાલ્યા ગયા હતા. અશોક ગેહલોત કમલનાથ, પી.ચિદમ્બરમ્ સહિતના નેતાઓ ટીકીટ ફાળવણીના મુદ્દે નારાજ થયા હતા. કોંગ્રેસનો અત્યારે ખુબજ ખરાબ સમય ચાલી રહ્યો છે. નેતાઓ મીડિયાથી ઓજલ થઈ રહ્યાં છે ત્યારે રાહુલ ગાંધી પોતે જ અવઢવમાં છે.

૫૬ દિવસની પ્રચાર કવાયત, રાહુલ અને પ્રિયંકાની મહેનત કોંગ્રેસના વિજય માટે પાણીમાં વહી ગઈ ત્યારે ટોચની નેતાગીરી સાથે રાહુલ પણ રાજીનામા માટે ધમાલ મચાવતા હોય ત્યારે કોંગ્રેસ અને યુપીએના પીઢ નેતા રાહુલને રાજીનામુ ન આપવા માટે પ્રયત્નશીલ છે. રાહુલ ગાંધીની જગ્યાએ કોને જવાબદારી સોંપવી તે ચૂંટણી જીતવાથી પણ વધુ કઠીન કાર્ય બની ગયું છે.

આઝાદીકાળથી કોંગ્રેસને નેહરૂ ગાંધી પરિવારનું નેતૃત્વ મળી ગયું છે. ત્યારે રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન પક્ષની આગેવાની સીતારામ કેશરીને સોંપવામાં આવી હતી પરંતુ તે માફક આવ્યા ન હતા પરંતુ ત્યારપછી સોનિયા ગાંધીએ કમાન સંભાળી પરંતુ હવે તે પણ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી ત્યારે અંતમાં રાહુલના અનુગામી માટે કોને પસંદ કરવા તે માટે કોંગ્રેસ ગંભીરતાથી વિચારી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.