તબીબોની બેદરકારી જુવાનજોધ પુત્રનો ભોગ લીધો: માથાકૂટ વધતા પોલીસ બોલાવી પડી
સિવિલ હોસ્પિટલમાં આજરોજ સવારે એક યુવાન દર્દીનું સારવારમાં મોત થતાં પરિવારજનોએ તબીબો પર આક્ષેપ કરી ઇમરજન્સી વોર્ડમાં હોબાળો કર્યો હતો. માથાકૂટ વધી જતાં પોલીસને બોલાવવાની નોબત આવી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં શાળા-90 ની બાજુમાં રહેતા અને બુક સ્ટોરમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અભી ગીરીશભાઈ વાઢેર નામના 21 વર્ષના યુવાનને બ્રેઈન સ્ટોક આવતા તેને સારવાર માટે ગત તા.15મી જુલાઈના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
તે દરમિયાન આજ રોજ યુવાનની તબિયત લથડતાં તેને ઇમરજન્સી વોર્ડમાં રીફર કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સારવાર મદે તે પહેલાં જ મોત નીપજતાં પરિવારજનોએ તબીબો પર આક્ષેપ કરી હોબાળો કર્યો હતો. જેથી માથાકૂટ વધી જતાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
પોલીસમાં જાણ થતાં હેડ ક્વાટર અને પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ધોરણે દોડી ગયો હતો. પોલીસે પરિવારજનોએ સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને પરિવારજનો મૃતદેહ લઈ નીકળી ગયા હતા.