જૂનાગઢના સાસુ-સસરાએ રૂ. 50-50 લાખની એફડી કરાવી વિધવાને પાવલી પણ ન આપતાં મહિલા પોલીસ મથકમાં ફરિયાદ
રાજકોટની યુવતીના પતિનું ચાર વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ થયા બાદ તેના વીમાના રૂ.1 કરોડ આવ્યા હતા જે રકમ આ યુવતીના સસરાએ બેંકના સંયુક્ત ખાતામાં જમા કરાવ્યા હતા, બાદમાં તે રકમ અલગ અલગ ખાતામાં શિફ્ટ કરાવી વિધવાને તેની રકમ આપવામાં ઠાગાહૈયા શરૂ કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, આ મામલે વિધવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
રાજકોટમાં સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસેના સાનિધ્ય એપાર્ટમેન્ટમાં ભાઇની સાથે રહેતી કેયુરી ડઢાણિયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલા ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં રહેતા સસરા ગુલાબદાસ ગોકળદાસ ડઢાણિયા અને સાસુ રમિલા ડઢાણિયાના નામ આપ્યા હતા.
કેયુરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2014માં રવિ ગુલાબદાસ ડઢાણીયા સાથે થયા હતા અને સંતાનમાં છ વર્ષની માનસિક દિવ્યાંગ પુત્રી વેદા છે, પતિ રવિ ડઢાણીયાનું 13 ઓક્ટોબર 2020ના કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પતિના મૃત્યુ બાદ ત્રણ વર્ષ સુધી કેયુરી પોતાની પુત્રી સાથે સાસરિયામાં જ રહી હતી અને સાસરિયાએ ત્યાં સુધી સારી રીતે રાખી હતી, રવિના અકસ્માત મૃત્યુના કિસ્સામાં રૂ.1 કરોડનો વીમો મંજૂર થયો હતો, તે રકમ આવી ત્યારે સસરા ગુલાબદાસે કેયુરીને કહ્યું હતું કે, તું એક સ્ત્રીપાત્ર છો, આ બધુ તારાથી મેનેજ નહી થાય તેમ કહી ગુલાબદાસે પુત્રવધૂ કેયુરી સાથે બેંકમાં સંયુક્ત ખાતું ખોલાવ્યું હતું અને વીમાના રૂ.1 કરોડ ઉપરાંત અન્ય વીમા સહિતની કુલ રકમ રૂ.1.05 કરોડ સંયુક્ત ખાતામાં જમા કરાવી દીધી હતી.ત્યારબાદ ગુલાબદાસે સંયુકત ખાતામાંથી પોતાની સહીથી રકમ ઉપાડી લઇ રૂ.50 લાખની એફડી તેમના નામની અને રૂ.50 લાખની તેમના પત્નીના નામની એફડી કરાવી નાખી હતી, એટલું જ નહીં, અમદાવાદમાં આવેલુ રવિના નામના મકાનનો દસ્તાવેજ પણ રમીલાબેનના નામે કરાવી નાખ્યો હતો.
તમામ રકમ હાથવગી થઇ ગયા બાદ ગોકળદાસ અને તેના પત્ની રમીલાબેને વિધવા પુત્રવધૂ કેયુરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. કેયુરીએ આ અંગે કુટુંબીજનોને એકઠા કરી વાત કરતાં અંતે સસરાએ રૂ.91.13 લાખ ફરીથી સંયુક્ત ખાતામાં જમા કરાવી દીધા હતા જોકે બંનેની સહિથી રકમ ઉપડે તેવી શરત બેંકમાં રાખી હતી જેથી કેયુરી તે રકમ ઉપાડી શકતી નહોતી, કેયુરીને તેની માનસિક દિવ્યાંગ પુત્રી સાથે સ્વીકારવાની એક યુવકે તૈયારી બતાવી ત્યારે કેયુરીએ પોતાના મૃતક પતિની રકમનો હિસ્સો માગતા સસરાએ રકમ આપવાનો ઇન્કાર કરી તમામ રકમ ઓળવી ગયા હતા. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.