થોડા દિવસો પૂર્વે અંજાર વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકીનું મૃત્યુ નીપજ્યું હોવાથી આરડીડી રાજકોટથી એન્ટોમોલોજીસ્ટ ટીમ તેમજ જીલ્લામાથી એડીએમઓ પ્રકાશભાઈ દુર્ગાણી તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર શામજીભાઈ- પ્રા.આ.કે.મેઘપર(બો). ના મેઘપર કે-2 સબ સેન્ટર વિસ્તારમા નિક્રેલ ચાંદીપુરમ પોઝિટિવ કેસના ઘરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દવા છંટકાવ તેમજ એન્ટિલાર્વલ કામગીરીનુ ક્રોસ ચેકીંગ કરીને કામગીરી બાબતે જરુરી માર્ગદર્શન આપ્યુ હતું.
ગત તારીખ 26 જુલાઈના રોજ અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં રહેતા એક પરિવારની નાઝમીન તમાચી મામદ કોરર (ઉંમર વર્ષ 1) નામની બાળકીને તાવની બીમારીને પગલે સૌપ્રથમ અંજારની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જોકે બાળકીને હાઈ ફીવર હોવાથી તેની બીમારીના લક્ષણો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ જેવા જણાતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીના લોહી તેમજ મગજના પાણીના સેમ્પલને રિપોર્ટ માટે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જોકે બાળકીનો લેબોરેટરીનો રિપોર્ટ આવે તે પહેલા જ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકીના મૃત્યુથી સમગ્ર પંથકમાં ચિંતાનું વાદળ છવાઈ ગયું હતું.
આજરોજ રાજકોટની ટીમે પોઝિટિવ કેસના ઘરની મુલાકાત લીધી હતી તેમજ મુલાકાત દરમિયાન દવા છંટકાવ અને એન્ટી લાર્વલ કામગીરીનું ક્રોસ ચેક કરીને કામગીરી બાબતે માર્ગદર્શન આપ્યું હતું.