ગુજરાત વિધાનસભાની ચુંટણીનું પરિણામ આવી ચુક્યું છે જેમાં ભાજપની ભવ્ય જીત અને કોંગ્રેસની કારમી હાર થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસની ૧૬ સીટ આવી છે. ગુજરાતમાં શરમજનક હારની જવાબદારી લેતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં તેમણે રાજ્યમાં હારની જવાબદારી લીધી છે.
પાંચ વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસની બેઠકમાં 59નો તોતીંગ ઘટાડો નોંધાયો છે. 2017 વિધાનસભાની ચૂંટણીમાં 77 બેઠકો જીતનાર કોંગ્રેસ આ વખતે 16 બેઠકો પર સમેટાઇ જાય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના કરૂણ રકાસ માટે આમ આદમી પાર્ટી જવાબદાર હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ પાર્ટી અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મારી હારની જવાબદારી હું લઉં છું અને આ કારણોસર હું મારા પ્રભારી પદેથી રાજીનામું આપી રહ્યો છું. તમને વિનંતી છે કે મારું રાજીનામું સ્વીકારો. હાલ કોંગ્રેસ 16 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો તેમાં એકપણ બેઠકનો ઘટાડો થશે તો કોંગ્રેસ ગુજરાતમાં માન્ય વિરોધ પક્ષનું પણ પદ ગુમાવી દેશે અને સંપૂર્ણપણે સરકારની રહેમરાહે આવી જશે.
આ પરિણામની અસર રાજ્યસભામાં પણ પડશે. કારણ કે હાલ ગુજરાતની રાજ્યસભાની 11 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે માત્ર 3 બેઠકો છે. વિધાનસભાની બેઠકોના આધારે રાજ્યસભાની બેઠક નક્કી થતી હોય છે. જે રીતે કોંગ્રેસ 16 બેઠકો પર સમેટાઇ રહ્યું છે. તે જોતાં એવું લાગી રહ્યું છે કે રાજ્યસભામાં પણ ગુજરાતમાંથી કોંગ્રેસનો એકપણ સભ્ય આગામી દિવસોમાં હશે નહિં.