સદીઓની લાંબી પ્રતીક્ષા પછી અયોધ્યા રામજન્મભૂમિ ખાતે રામ મંદિરના નિર્માણ માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
5 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંદિરના નિર્માણ માટે પહેલી ઈંટ નાખશે, ત્યારે વર્ષોનો રામજન્મભૂમિ ઉપર ભગવાન રામનું મંદિર બનાવવાના સંઘર્ષનો અંત આવશે. આ દિવસ સમગ્ર ભારત માટે ઐતિહાસિક બની જશે.
અયોધ્યામાં મંદિરના ભૂમિપૂજન માટેની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. રામ શહેરમાં મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું છે.
દરમિયાન, મંદિર નિર્માણ માટે સ્થાપિત ટ્રસ્ટ દ્વારા ભવ્ય મંદિરના મોડેલની તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. મંદિરની આ ડિઝાઇન આર્કિટેક્ટ નિખિલ સોમપુરા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
રામલલ્લાના મંદિર માટે વીએચપીનું જૂનું મોડેલ ચર્ચાયું હતું. તે નિખિલના પિતા ચંદ્રકાંત સોમપુરાએ તૈયાર કર્યું હતું. હવે જૂની ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મંદિરના નવા મોડેલમાં ઊંચાઈ, કદ, ક્ષેત્ર અને મૂળભૂત રચનામાં પણ નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે.