ગુન્હાઓને કુલ ૪ કેટેગરીમાં વહેંચી જામીન અરજી માટે માર્ગદર્શિકા જાહેર કરતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચાર્જશીટ દાખલ કર્યા બાદ જામીન આપવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. સુપ્રિમે માર્ગદર્શિકા જાહેર કરતી વેળાએ સુપ્રીમે કહ્યું હતું કે, તપાસ દરમિયાન આરોપીના વર્તનને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટને વચગાળાની રાહત આપવાથી રોકી શકાય નહીં.ન્યાયમૂર્તિ એસ.કે. કૌલ અને જસ્ટિસ એમ. એમ. સુંદરેશની ખંડપીઠે આ મુદ્દે અધિક સોલિસિટર જનરલ એસ.વી. રાજુ અને વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાના સૂચનો સ્વીકાર્યા હતા.
સુપ્રીમે કહ્યું છે કે ગુનાઓને ‘એ’ થી ‘ડી’ માં ચાર વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને સંબંધિત અદાલતોના વિવેકબુદ્ધિને અસર કર્યા વગર અને વૈધાનિક જોગવાઈઓને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા નિર્ધારિત કરવામાં આવી છે.
કેટેગરી ‘એ’ના ગુનાઓમાં સામાન્ય સમન્સ અથવા વકીલ મારફતે પ્રથમ વખત હાજર થવાની પરવાનગી સહિતના મુદ્દાઓ લેવામાં આવ્યા છે. કેટેગરી ‘બી’માં આવા આરોપી સમન્સ ઇસ્યુ થવા છતાં હાજર ન થાય, તો જામીનપાત્ર વોરંટ જારી કરી શકાય છે.
‘સી’ કેટેગરીમાં જામીનપાત્ર વોરંટ જારી કરવા છતાં આરોપી હાજર ન થાય તો બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત છે કે, બિનજામીનપાત્ર વોરંટ રદ થઈ શકે છે અથવા આરોપીને હાજર કર્યા વગર જ આગ્રહ રાખ્યા વગર જામીનપાત્ર વોરંટને સમન્સમાં રૂપાંતરિત કરી શકાય છે. જો કે, આના માટે આરોપી સુનાવણી સમયે હાજર રહેશે તેવી બાહેંધરી આપવી પડશે.
‘ડી’ કેટેગરીમાં સાત વર્ષ કે તેથી વધુની સજા ભોગવી રહેલા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આજીવન કેદ, એનડીપીએસના ગુન્હા, મની લોન્ડરિંગ પ્રિવેંશન એકટ, આતંકવાદી ગતિવિધિ, સ્પેશિયલ એકટ સહિતના ગુન્હાના આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોર્ટે જણાવ્યું હતું કે, જો તપાસ દરમિયાન શંકાના દાયરામાં રહેલી વ્યક્તિ તપાસનીશ અધિકારીના બોલાવ્યા બાદ પૂછપરછમાં હાજર રહેતો હોય અને સહકાર આપતો હોય તો તેની ધરપકડ કરવાની જરૂરિયાત રહેતી નથી. આ કેટેગરીમાં આવા આરોપીઓની જામીન અરજીઓ પણ સામેલ હશે, જે આરોપીને કસ્ટડીમાં લીધા વગર અથવા જામીન અરજીનો નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાના જામીન આપીને નક્કી કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તમામ અદાલતો જામીન અરજીઓ પર સુનાવણી કરતી વખતે ઉપરોક્ત માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખશે.