• વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે: આજે વાપીમાં રોડ શો, વલસાડના જુજવા ગામે વિશાળ ચૂંટણી સભા
  • કાલે સવારે સોમનાથ  મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચૂંટણી સભા ગજવશે: કાલે સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં સભા: ર8 અને ર9મીએ ફરી ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રચાર પ્રસાર માટે સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ગઇકાલે કાર્પેટ બોમ્બિંગ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય – રાજયના ર9 નેતાઓ દ્વારા 8ર બેઠકો પર જંગી ચૂંટણી સભા ગજવ્યા બાદ આજની પ્રચારની કમાન ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંભાળી લીધી છે. આજે પી.એમ. ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આઠ સભા, રોડ-શો કરશે દરમિયાન આવતી કાલથી બે દિવસ કેન્દ્રીય ગૃહ અને  સહકાર મંત્રી અમિતભાઇ શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બે દિવસમાં અલગ અલગ છ સ્થળોએ ચૂંટણી સભા સંબોધશે.

આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ગુજરાતમાં આગમન થશે તેઓ સતત ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ આઠ શહેરોમાં ચૂંટણી સભા સંબોધશે અને રોડ-શો યોજાશે. આજે સૌ પ્રથમ પીએમ દમણ ચલ્લાથી વાપી સુધી એક વિશાળ રોડ-શો યોજાશે અને જનતા જર્નાદનનું અભિવાદન ઝીલશે. ત્યારબાદ સાંજે વલસાડના ધરમપુર રોડ પર આવેલા જુજવા ગામ ખાતે જંગી ચૂંટણી સભાને સંબોધશે.

આવતી કાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૌરાષ્ટ્રમાં ચુંટણી પ્રચારનો મોરચો સંભાળી લેશે તેઓ કાલે સવારે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ સૌ પ્રથમ સવારે 11 કલાકે વેરાવળ ખાતે ભાજપના ઉમેદવારના સમર્થનમાં એક ચુંટણી સભાને સંબોધશે ત્યારબાદ બપોરે 12.45 કલાકે ધોરાજી ખાતે એક ચુઁટણી સભા ગજવશે. બપોરે 2.30 કલાકે પીએમ અમરેલી શહેરમાં ચુંટણી સભા સંબોધશે. અને સાંજે 6.15 કલાકે બોટાદમાં ચુંટણી સભા યોજાશે. આવતી કાલે સૌરાષ્ટ્રના અલગ અલગ ચાર જિલ્લાઓમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પીએમ ચાર સ્થળે ચુંટણીસભા સંબોઘ્યા બાદ રાત્રે ગાંધીનગર પરત ફરશે રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. દરમિયાન ગુજરાત પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે વડાપ્રધાન ત્રણ ચુંટણી સભાઓ સંબોધશે જેમાં સોમવારે 1ર કલાકે સુરેન્દ્રનગર શહેરમાં, બપોરે ર વાગ્યે જંબુસરમાં અને બપોરે 4 વાગ્યે નવસારી ખાતે ચુંટણી સભાને સંબોધશે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન આઠ ચુંટણી સભા, રોડ-શો યોજાશે. પ્રથમ તબકકામાં જે 89 બેઠકો માટે 1લી ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે. તેના માટે પ્રચાર પડઘમ ર9મી નવેમ્બરે સાંજે પાંચ કલાકે શાંત જશે. દરયિમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ર8 અને ર9 નવેમ્બરના રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવશે.

વડાપ્રધાન ગુજરાતમાં ત્રણ થી ચાર વખત ચુંટણી પ્રવાસ માટે આવશે જેમાં અલગ અલગ 30 ચુંટણી સભાઓ અને રોડ-શો યોજાશે. સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ગઇકાલે કાર્પેટ બોમ્બિગ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય રાજયના 29 નેતાઓએ અલગ અલગ 8ર બેઠકો પર ચુંટણી સભાઓ સંબોધી હતી. કાર્યકરોમાં ઉત્સાહ જગાડવા અને રાજયમાં ચુંટણીનો માહોલ બનાવવા હવે નરેન્દ્રભાઇએ પ્રચારની કમાન પોતાના હાથમાં લઇ લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખ જાહેર થવા પૂર્વ પણ સતત ત્રણ મહિના સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજયના તમામ જિલ્લા અને મહાનગરોમાં પ્રવાસ કર્યા હતા. જાહેર સભાઓ સંબોધી હતી. વિશાળ રોડ-શો કર્યા હતા. અબજો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કર્યુ હતું.

  • અમિતભાઇ કાલે આવે છે બે દિવસમાં છ સભાઓ
  • સોમવારે ખંભાળીયા, કોડીનાર, રાજુલા અને ભુજમાં ચુંટણી સભા

ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ પૂર્ણ બહુમતિ સાથે સત્તારૂઢ થાય તે માટે ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે મોરચો સંભાળી લીધો છે. વડાપ્રધાન આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. દરમિયાન અમિતભાઇ શાહ આવતીકાલે આવી રહ્યા છે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી નીજાર અને ડેકીયા પાડામાં ચૂંટણી સભાઓ સંબોધશે. સોમવારે તેઓ સૌરાષ્ટ્ર  કચ્છમાં અલગ અલગ ચાર સ્થળોએ ખંભાળીયા, કોડીનાર, રાજુલા અને ભુજમાં ચુંટણી સભા ગજવશે. બન્ને તબકકાના મતદાન સુધી પી.એમ. તથા એચ.એમ.ના આંટાફેરા ગુજરાતમાં સતત ચાલુ જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.