- લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ PM મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવશે
- સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નીલગીરી મેદાન પહોચ્યા
- 7 માર્ચના રોજ સુરતમાં અને 8 માર્ચના રોજ નવસારીના કાર્યક્રમમાં આપશે હાજરી
લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવશે. આ દરમિયાન સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નીલગીરી મેદાન પહોચી અને કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત 7 માર્ચે સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ અને 8 માર્ચે નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે આવશે, ત્યારે મોટો રોડ શો યોજાઇ શકે તેવી શક્યતાઓ છે.
કાર્યક્રમને લઈ જર્મન ડોમ બનાવવાની તૈયારી શરૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે નીલગિરિ ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થશે. લગભગ બે લાખથી વધુ લોકોની હાજરીની શક્યતા છે. ગરમીને ધ્યાનમાં રાખીને જર્મન ડોમની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, જેથી ઉપસ્થિત જનમેદનીને આરામદાયક વાતાવરણ મળી શકે. આ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તબીબી ટીમો, પાણીની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
નીલગિરિ ગ્રાઉન્ડમાં 7 માર્ચે કાર્યક્રમ હાજરી આપશે 7 માર્ચના શુક્રવારે સાંજે વડાપ્રધાન મોદી સુરતના લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં વૃદ્ધ સહાય, વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓનું સન્માન કરાશે. આ સાથે જ એનએફએસએ (National Food Security Act) લાભાર્થીઓને સામેલ કરવાની યોજના ઘડવામાં આવી છે.
શુક્રવારે સાંજે સુરતમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સુરતના સર્કિટહાઉસમાં રાત્રિ રોકાણ કરી શકે છે. જો તેઓ અહીં રોકાણ કરે છે, તો વિધાનસભા ચૂંટણી બાદ સુરતમાં તેમની આ બીજી રાત્રિ રોકાણની મુલાકાત થશે. 2022ની વિધાનસભા ચૂંટણી સમયે પણ તેમણે સુરતમાં રોડ શો કર્યા બાદ સર્કિટહાઉસમાં રોકાણ કર્યું હતું. આ વખતે પણ રાત્રિ રોકાણ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે.
સુરત અને નવસારીના આ મહત્ત્વના કાર્યક્રમોને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર સક્રિય રીતે તૈયારીઓમાં લાગી ગયું છે. સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર વડાપ્રધાનની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ગુજરાત માટે રાજકીય અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વપૂર્ણ ગણાય છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય