વિપક્ષ ગઠબંધનમાં એક સાંધે ને તેર તુટ્યા જેવો ઘાટ
મહાગઠબંધન માટે કોંગ્રેસે ‘મોટુ દીલ’ રાખવું જોઈએ: અખિલેશ યાદવ
વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જે નજીક આવતા તમામ રાજકીય પક્ષો મેદાને ઉતર્યા છે.
અત્યારથી જ તોડજોડની નીતિ શરુ થઈ ગઈ છે. ભાજપને હરાવવા તમામ વિપક્ષોને એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ સર્જાયો છે. બહુજન સમાજ પાર્ટી પછી હવે સમાજવાદી પાર્ટીએ પણ કોંગ્રેસ સામે નારાજગી વ્યકત કરી છે. સપા કે બસપા કોંગ્રેસ સાથે બેસવા તૈયાર નથી.
લોકસભાની ચૂંટણી પહેલા જ વિપક્ષોનું મહાગઠબંધન ‘કટ-બંધન’ થઈ ગયું છે.બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશના આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.
માયાવતીએ સ્પષ્ટ એલાન કર્યું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન રહેશે જ નહિ. માયાવતીના આ નિર્ણયથી ૨૦૧૯નું મહાગઠબંધન રચાયા પહેલા જ વેર વિખેર થઈ ગયું છે.
માયાવતીના આ રાગમાં સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સુર રેલાવ્યો છે. અને કહ્યું કે ગઠબંધન માટે કોંગ્રેસે મોટુ દીલ રાખવાની જરૂર છે. કોંગ્રેસે સમાન વિચારધારા ધરાવતા દળોને સાથે રાખી ચૂંટણી લડવી જોઈએ અખિલેશ યાદવે મધ્યપ્રદેશ રાજસ્થાન અને છતીસગઢની ચૂંટણીઓ તરફ નિશાન તાંકતા કહ્યું કે, જો મોડુ થઈ જશે તો અન્ય દળોપણ વિરોધી થઈ જશે.
ગઠબંધનની જવાબદારી કોંગ્રેસની છે.એટલે કોંગ્રેસે તમામ દળોને સાથે રાખી ચાલવું જોઈએ. બહુજન સમાજ પાર્ટીના નિવેદનને લઈ અખીલેશ યાદવે કહ્યું કે, બસપા કોઈના ડરના કારણે નિર્ણયો લેતી નથી. સમય સરકી જાય એ પહેલા કોંગ્રેસે જાગી તમામ વિપક્ષોને સાથે રાખી નિર્ણયો કરવા જોઈએ.