ઇરાને પાકિસ્તાનમાં બલુચી આતંકવાદી સંગઠન ઉપર હુમલો કર્યા બાદ હવે પાકિસ્તાને પણ વળતો હુમલો કર્યો છે. ઉપરાંત બન્ને દેશોના રાજદૂતો પણ હવે એકબીજા દેશોમાં રહેવાના નથી. જેને કારણે બન્ને દેશો વચ્ચે પણ યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે. ઈરાનના એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પરેશાન છે. હવે પાકિસ્તાનને દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.  આ હુમલાને લઈને ઈરાન કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

પાકિસ્તાને ઇરાનથી રાજદૂતને પરત બોલાવી લીધા, અને ઇરાનના રાજદૂતને પણ પાકિસ્તાન પરત ન આવવા સૂચના આપી

પાકિસ્તાની મીડિયા અનુસાર, આ હુમલો ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ જેવા બલૂચ અલગતાવાદી આતંકવાદી જૂથો ઉપર કરવામાં આવ્યો છે. આ જૂથો ઈરાનની અંદર સક્રિય છે, જેઓ પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિઓ કરે છે.

પાકિસ્તાનનો દાવો છે કે બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી ઈરાનમાં રહીને પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું ઘડે છે અને હુમલા કરે છે.  પાકિસ્તાનનો દાવો છે કે ઈરાન આવા સંગઠનોને આશ્રય આપીને મદદ કરે છે.  ઈરાને હંમેશા આવા દાવાઓને નકાર્યા છે.

વાસ્તવમાં, બલૂચિસ્તાનની સરહદ ઉત્તરમાં અફઘાનિસ્તાન અને પશ્ચિમમાં ઈરાન સાથે જોડાયેલી છે.  બલૂચિસ્તાન હંમેશાથી ખનિજ સંસાધનોથી સમૃદ્ધ પ્રાંત રહ્યો છે.  બલૂચે હંમેશા પાકિસ્તાનથી સ્વતંત્રતાની માંગણી કરી છે અને તેમના વિસ્તારમાંથી મહત્વપૂર્ણ ખનિજ સંસાધનોના નિષ્કર્ષણનો વિરોધ કર્યો છે.  અગાઉ પાકિસ્તાન અહીંના ખનિજ સંસાધનોનું શોષણ કરતું હતું અને બાદમાં તેણે ચીનને મંજૂરી આપી હતી, ત્યારથી બલૂચ નાગરિકોનો વિરોધ વધુ વધ્યો છે.  આ વિરોધને કારણે બીએલએ અને બીએલએફ જેવા સંગઠનો પાકિસ્તાની સૈન્ય દળો અને ચીની સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે.

અગાઉ, પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઈરાનના હવાઈ હુમલામાં બે બાળકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.  પાકિસ્તાને વિદેશ મંત્રાલયમાં ઈરાનના પ્રભારી રાજદૂતને બોલાવીને ’તેના એરસ્પેસના ઉલ્લંઘન’ની સખત નિંદા કરી હતી.  પાકિસ્તાની વિદેશ કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ઈરાનનું આ કૃત્ય ’તેના એરસ્પેસનું બિનઉશ્કેરણીજનક ઉલ્લંઘન’ છે.  આ પછી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન દ્વારા ઈરાનના એક સૈન્ય અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિત આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓ પર હુમલો કર્યા બાદ ઈસ્લામાબાદે તેહરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા છે.  આ સાથે પાકિસ્તાને ઈરાનના રાજદૂતને તેના સ્થાનેથી હાંકી કાઢ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.