- વિશ્વકર્મા મંદિરે શીશ ઝુકાવ્યાં બાદ કબા ગાંધીનાં ડેલે સુતરની આંટી અને ફૂલનો હાર પહેરાવી ધાનાણીનું સ્વાગત કરવામાં આવ્યું: બાદમાં ધાનાણીએ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા
- રેષકોર્ષ ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કર્યું: જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નયનાબા જાડેજા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા
લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રૂપાલા અને ધાનાણી 22 વર્ષ પછી ફરી આમને સામને ચૂંટણી જંગ લડશે.રાજકોટ લોકસભા બેઠક પર આ વખતે લેઉવા વર્સીસ કડવા પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ થવા જઈ રહ્યો છે. કબા ગાંધીનાં ડેલે સુતરની આંટી અને ફૂલનો હાર પહેરાવી ધાનાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધાનાણીએ મહાત્મા ગાંધીજીની સ્મૃતિઓ નિહાળી હતી. બાદમાં ધાનાણીએ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા.અહીં ધાનાણીએ ગાંધીજી સમક્ષ શિશ ઝુકાવ્યું હતું. તેમજ સિવિલ હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ સભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મહિલાઓ અને લોકો ઊમટી પડ્યા હતા. તેમજ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ હાજર રહ્યા હતા. તેઓને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું.ધાનાણી સભાસ્થળે પહોંચતા કુમકુમ તિલક અને પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, ચાલુ સભામાં લાઈટ ગુલ થતા લોકો આશ્ચર્યમાં મૂકાય ગયા હતા.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પરસેવો પાડીને ખાનારા અનેક લોકોને મહેનત કરવી છે પણ તક મળતી નથી. અથાક મહેનત કરવા છતાં બે ટાઈમ જમવા મળતું નથી. ત્યારે વિશ્વકર્મા દેવના ચરણોમાં આજે પ્રાર્થના કરી છે કે, હે પ્રભુ રાજકોટ અને ગુજરાત સહિત દેશનો પ્રત્યેક વ્યક્તિ કે જેને પરસેવો પાડી મહેનત કરવી છે તેના ઘરે બે ટાઈમ સ્વાભિમાનનો રોટલો તેના બાળકોને મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા વિનંતી કરી છે. આ અહંકારની સરકાર સામે જન જનનાં સ્વાભિમાનની લડાઈનો શંખનાદ આજે રાજકોટથી થવા જઈ રહ્યો છે. રાજકોટની પ્રજા સરકારનો અહંકાર ઓગાળવામાં સાથ આપશે અને પોતાના આશીર્વાદ આપશે તેવો મને વિશ્વાસ છે.ધાનાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પાટનગરમાં ધોળા દિવસે લાઈટ ગુલ થઈ આ વિકાસને હરાવવાનો છે. ફોર્મ ભરતી અને જાહેરસભામાં શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નયનાબા જાડેજા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
સત્તા એ સિદ્ધાંતલક્ષી હોવો જોઈએ,આ ચૂંટણી અહંકાર અને સ્વમાનના અધિકારની લડાઈ: શક્તિસિંહ ગોહિલ
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના મેમ્બર શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું.કે પરેશ ધાનાણીએ અણવર બનવાનું કહ્યું હતું. રાજકોટથી અવાજ ઉઠ્યો. બહેનો-દીકરીઓએ કહ્યું અમારે પરેશ ધાનાણી જેઇ તેવો અવાજ ઉઠયો. જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેના વ્યવહારો પૂર્વજોએ શીખવાડ્યું છે. ક્ષત્રિયના લગ્ન વખતે પાટીદાર જવતલિયો ભાઈ થાય. જેથી પરેશ ધાનાણીએ કહ્યું, હું રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર છું.
દલિતનો દીકરો તિલક કરે પછી મહારાજા સિંહાસન પર બેસે. બીજી તરફ ભાજપે આ તાણાવાણા તોડવાનો પ્રયત્ન કર્યો છે. સત્તા એ આખરી લક્ષ્ય ન હોવું જોઈએ. વિદુરે કહ્યું હતું કે, સત્તાધીશ એ સિદ્ધાંતલક્ષી હોવો જોઈએ.આ ચૂંટણી અહંકાર અને સ્વમાનના અધિકારની લડાઈ છે. સત્તાધીશે વકીલ નહીં ન્યાયધીશ બનવું જોઈએ. તમે હિન્દુ સમાજની વાત કરો છો તો વિદૂરજીને ન વાંચ્યા. રૂપાલાની એક ઝાટકે ટિકિટ કાપવાની હતી. સમાજ વચ્ચે માફી માગવાની જરૂર હતી. ભૂલ નહીં પણ ગુનો હતો. આ સિદ્ધાંત અને સન્માનની લડાઈ છે. શા માટે તમે સારા શાસક તરીકેની પ્રથા ન પાડી શક્યા? તેવું ભાજપને કહ્યું હતું.
રામના નામે રાજકીય રોટલો શેકવા નીકળ્યા તો રામને ગરીબના ઝૂંપડામાંથી અવાજ સંભળાયો તો રામે તે અવાજ સાંભળ્યો. તો અહીં તમામ બહેન-દીકરીઓનો અવાજ કેમ ન સાંભળ્યો. ખેડૂતપુત્રી સાક્ષી મલિક કહે કે, ભાજપના સાંસદ ચારિત્ર્ય સાથે ચેડાં કર્યા અને અન્ય દીકરીઓ બહાર નિકળી. તે બ્રિજભૂષણ સામે કઈ ન બોલ્યા. રાજા-રજવાડાઓ અલગ અલગ જ્ઞાતિના હતા. સત્તા ભોગવનારે એક પણ દીકરી અંગ્રેજોને નહોતી આપી. રોટી-બેટીનો વ્યવહાર કર્યો એવું બોલ્યા એ અહંકાર બોલ્યો. તમે ગુનો કર્યો છે. 100 કૌરવો હશે તો પણ એક દિવસ તમારો સર્વનાશ છે. લોકોના પ્રેમનો વિજય થશે. પરેશ ધાનાણીનો વિજય એ અહંકારને પ્રેમની ટક્કર આપશે. આપ સૌ તેમને મદદ કરજો. છેલ્લે શક્તિસિંહે ‘જીતેગા ભાઈ જીતેગા, પરેશ ધાનાણી જીતેગા’નો નારો લગાવડાવ્યો હતો.
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પાસે 2.09 કરોડની સંપત્તિ
બી.કોમ ગ્રેજ્યુએટ પરેશ ધાનાણીને ખેતીની મુખ્ય આવક, ધાનાણી પરિવાર પાસે 440 ગ્રામ સોનું: પરેશ ધાનાણી કે તેમના પત્ની પાસે એક પણ વાહન નથી
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે આજે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાજતે ગાજતે વિશાળ ટેકેદાર વર્ગ સાથે પોતાનું નામાંકનપત્ર ભર્યું હતું, નામાંકન સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામ સાગઠીયા ગાયત્રીબા ઝાલા અને મહેશ રાજપૂત સાથે રહ્યા હતા. ઉમેદવારીપત્ર સાથે પરેશ ધાનાણીએ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમના પરિવાર પાસે 2.09 કરોડની સંપત્તિ હોવાનું જાહેર કર્યું હતું.
બી.કોમ ગ્રેજ્યુએટ પરેશ ધાનાણી કે તેમના પત્ની પાસે એક પણ વાહન નથી. આગામી તા.7મી મે ના રોજ યોજાનાર ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બહુમાળીભવન ચોક ખાતે વિશાળ સભા યોજી વાજતે-ગાજતે ચૂંટણીના રણમેદાનમાં ઉતર્યા હતા. આજે બપોરે 12.39 મિનિટે વિજયમુહૂર્તમાં પરેશ ધાનાણીએ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને ઓબ્ઝર્વરની હાજરીમાં તેમના ટેકેદાર એવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામ સાગઠીયા ગાયત્રીબા ઝાલા અને મહેશ રાજપૂતને ટેકેદાર તરીકે હાજર રાખી ઉમેદવારીપત્ર ભર્યું હતું.
પરેશ ધાનાણીએ આજે રજૂ કરેલા નામાંકન સાથે કરેલા સોંગદનામા મુજબ તેઓએ વર્ષ 2022-23નું આવકવેરા રિટર્ન 12,69,510 ભર્યું હતું જ્યારે તેમના પત્ની વર્ષાબેને વર્ષ 2022-23માં 4,49,330નું રિટર્ન ફાઈલ કર્યું હોવાનું દર્શાવી પરેશભાઈ પાસે 1,40,331 રોકડા હોવાનું અને તેમના પત્ની પાસે 1,56,756 રોકડા તેમજ પરેશભાઈ પાસે રૂપિયા 7.92 લાખનું 120 ગ્રામ સોનુ, તેમના પત્ની વર્ષાબેન પાસે રૂ.17,16,000નું 260 ગ્રામ સોનુ, તેમની પુત્રી સંસ્કૃતિ પાસે 2.64 લાખનું 40 ગ્રામ સોનુ તેમજ બીજી પુત્રી પ્રણાલી પાસે 1.42 લાખનું 20 ગ્રામ સોનુ હોવાનું જાહેર કર્યું છે,
સાથે જ 1,66,2,059 ની સ્થાવર જંગમ મિલ્કત પરેશભાઈ પાસે અને તેમના પત્ની પાસે 43,13,283 લાખની સ્થાવર અને જંગમ મિલ્કત મળી દંપતી પાસે 2,09,15,342ની સંપત્તિ હોવાનું જાહેર કર્યું હતું. કોમર્સ ગ્રેજ્યુએટ પરેશભાઈ ધાનાણીની મુખ્ય આવક ખેતીની હોવાનું અને તેમની પાસે એક પણ વાહન ન હોવાનું જાહેર કર્યું હતું.
સરકાર પર વરસતા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા
આપના વિદ્યાર્થી નેતા અને ક્ષત્રીય સમાજના યુવા આગેવાન યુવરાજસિંહ જાડેજા રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં કરણી સેનાના આગેવાનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થી અને બેરોજગારોના પ્રશ્ર્ને સરકારને આડે હાથે લીધી હતી. પેપર ફૂટવાથી લાખો બેરોજગારોના સરકારી નોકરીનો કોળીયો ઝુટવાયાનું કહ્યું હતુ લોકસાહી બચાવવા માટે આપણા બહાર નીકળીને લડાઈ લડવી પડશે અને ભાજપના ઉમેદવારનો અહંકારને ભરી પીવા પેશભાઈને મત આપી વિજય બનાવવા રાજકોટ વાસીઓને હાકલ કરી છે.