પ્રેમ પ્રકરણના કારણે બાઇક અને કારમાં ત્રણ યુવાનના અપહરણ કરી એકનું ઢીમઢાળી દીધું: બે શખ્સોની ધરપકડ
શહેરના થોરાળા વિસ્તારમાં પ્રેમ પ્રકરણના કારણે યુવાનની હત્યા થયા બાદ બીજા દિવસે ભગવતીપરાના યુવાનની પણ પ્રેમ પ્રકરણના કારણે હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે. રાત્રે જ બે શખસોની ધરપકડ કરી લીધા બાદ હત્યાના ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સની ધરપકડ તેમજ જાહેરમાં સરભરાની પોલીસે ખાતરી આપતા પરિવારે લાશ સ્વીકારી લીધી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પાટણ જિલ્લાના સાંતલપુરના વતની અને ભગવતીપરા નજીક જયપ્રકાશનગરમાં રહેતા અકબર ફૈઝમહંમદ રાઉમા નામના યુવાનની ભગવતીપરાના નામચીન ગુલમહંમદ ઉર્ફે ગુલીયો મોડ, જીતુ ડાંગર ઉર્ફે ભુરો, સલીમ ઉર્ફે સલ્લુ, સદામ અને સીકલ નામના શખ્સોએ અપહરણ કરી ધોકા મારી હત્યા કર્યાની અનિશ ફૈઝમહંમદ રાઉમાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક અકબર રાઉમાને નામચીન ગુલીયા મોરની કુટુંબી ભત્રીજી સાથે ચારેક વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી અગાઉ ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા જીતુ ઉર્ફે ભુરો, સલીમશા ઉર્ફે સલીયો, હનિફશા શાહમદાર અને યોગેશ નામના શક્સોની મદદથી અકબર અને તેના ભાઇ અનિશના કારમાં અપહરણ કર્યા હતા અને મિત્રી ટીટાનું કાર અને બાઇક પર અપહરણ કરી રૂખડીયા કોલોની નજીક શૌચાલય પાસે લઇ જઇ ત્રણેયને લાકડાના ધોકાથી માર માર્યો હતો. અનિશ અને ટીટો પોતાના જીવ બચાવી ત્યાંથી ભાગી ગયા હતા જ્યારે અકબરને ચારેય શખ્સોએ પકડી રાખ્યો હતો અને ગુલમહંમદ ઉર્ફે ગુલીયા મોરે માથામાં ધોકા મારી હત્યા કરી ભાગી ગયા હતા.
અનિશ રાઉમા પોતાના પરિવાર સાથે ઘટના સ્થળે પહોચી ગંભીર રીતે ઘવાયેલા પોતાના ભાઇ અકબર રાઉમાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જયાં તેનું મૃત્યુ નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.
ચારેક વર્ષ પહેલાં પણ અકબર રાઉમાને પ્રેમ પ્રકરણના કારણે ગુલમહંમદ ઉર્ફે ગુલીયાએ માર માર્યો હતો પણ તે માથાભારે હોવાથી તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી.
નામચીન ગુલમહંમદ ઉર્ફે ગુલીયાની ધરપકડ કરી જાહેરમાં સરભરાની ખાતરી આપતા પરિવારે લાશ સ્વીકારી લીધી હતી અને પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોની ધરપકડ કરી ગુલમહંમદ ઉર્ફે ગુલીયા મોરની શોધખોળ હાથધરી છે.