મેડિકલ ટુરીઝમ બાદ હવે ડિવાઈસીસ મેન્યુફેકચરીંગમાં અવ્વલ સ્થાન હાસલ કરવા ગુજરાત સજ્જ
ચીનના ઝેનઝેન શહેરની જેમ ગુજરાતમાં પણ ફાર્માસ્યુટીકલ્સ ક્ષેત્રનો ધોમ વિકાસ થશે
ફાર્માસ્યુટીકલ્સ ક્ષેત્રે ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે. વિશ્ર્વમાં બનતી દર ત્રણ ટેબલેટમાંથી એક ટેબલેટ ભારતમાં બને છે તેમાં અડધી ટેબલેટ ગુજરાતમાં બને છે. એમ કહી શકાય કે ૨ લાખ કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતો ભારતનો ફાર્મા ઉદ્યોગ લગભગ અડધો-અડધ એટલે કે ૧ લાખ કરોડનું ટર્નઓવર ગુજરાતના માધ્યમથી કરે છે. અત્યાર સુધી માત્ર આંધ્રપ્રદેશમાં જ મેડિકલ ડિવાઈસ પાર્ક હતું. જો કે હવે ગુજરાતમાં પણ મેડિકલ ડિવાઈસ પાર્ક બનવા જઈ રહ્યું છે.
ભારતની જેમ ચીન પણ ફાર્મા સેકટરમાં હરણફાળ ભરી રહ્યું છે. ચીનમાં ફાર્માસ્યુટીકલ હબ બનાવવા સરકાર મસમોટા પ્રોત્સાહનો આપે છે. ચીનનું ઝેનઝેન શહેરમાં મેડિકલ ડિવાઈસ પાર્કને સ્થાપિત કરાયો છે. આવી રીતે ગુજરાત પણ વૈશ્વિક કક્ષાએ મેડિકલ સાધનોનું હબ બની શકે છે.
ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગમાં ગુજરાત ૪૦ ટકાથી વધુનું યોગદાન આપે છે અને ભારતની ફાર્મા નિકાસમાં ૨૨ ટકા યોગદાન આપે છે. માટે મેડિકલ ડિવાઈસ પાર્કની સ્થાપના ગુજરાતમાં થાય તો ગુજરાતને અનેકગણો ફાયદો થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ માટે પ્રોત્સાહન આપવાનો વિચાર પણ થઈ રહ્યો છે.
ગુજરાત હાલ મેડિકલ ટુરીઝમ માટે જાણીતું છે જેથી મેડિકલ ડિવાઈસ મેન્યુફેકચરીંગ હબ તરીકે પણ ગુજરાત પ્રસ્થાપિત થઈ જાય તે મહત્વનું છે. કેન્દ્ર સરકારે દેશના ફાર્માસ્યુટીકલ સેકટરને મોખરાનું સ્થાન આપ્યું છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે તેવી રીતે મેડિકલ ક્ષેત્ર ગુજરાતના અર્થતંત્ર માટે શ્વાસ સમાન છે. ગુજરાતમાં અનેક સ્થળોએ મેડિકલ ક્ષેત્રે સંશોધનો થાય છે. તાજેતરમાં જ ગાંધીનગર ખાતે ઈન્સ્ટિટયુટ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચનો શિલાન્યાસ થયો હતો જે રિસર્ચમાં મહત્વનો ભાગ ભજવશે.
ગઈકાલે ગાંધીનગર ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટના એક કાર્યક્રમ દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના સેક્રેટરી પ્રોફેશર બલરામ ભાર્ગવે કહ્યું હતું કે, ભારતમાં મેડિકલ ડિવાઈસની ખપત વધતી જાય છે. આંધ્રપ્રદેશમાં મેડિકલ ડિવાઈસ ટેકનોલોજી પાર્કની સપના થઈ ચૂકી છે. ત્યારબાદ હવે ગુજરાત અને દિલ્હી એનસીઆરમાં પણ મેડિકલ ડિવાઈસ પાર્ક સપવા અંગે વિચારણા થઈ રહી છે.