રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે વર્ષો બાદ કપાસના સૌથી ઉંચા ભાવ બોલાતા ખેડુતો ખુશખુશાલ થયા છે. હાલ કપાસની સીઝન પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે માંગ વધારે હોય જેથી છેલ્લા બે દિવસથી કપાસના હાઈએસ્ટ ભાવ બોલાય રહ્યા છે.
દર વર્ષે કપાસના પ્રતિમણના ભાવ સરેરાશ રૂ.900 થી 1000 રહેતા હોય છે. આ ભાવ ખરેખર ખેડૂતો માટે પોષણક્ષમ હોતા નથી. કપાસની ઉપજ બાદ રૂ.900 થી 1000 સુધીના ભાવ મળતા ખેડૂતો પાછળ માંડ થોડા-ઘણા રૂપીયા બચે છે. ત્યારે હાલ કપાસની સીઝન તો પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ જે ખેડુતો હવે પોતાનો કપાસ બજારમાં ઠાલવી રહ્યા છે. તેને પૂરતા ભાવ મળી રહ્યા છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે દસ વર્ષ બાદ કપાસના સૌથી વધુ ભાવ બોલાયા છે. કપાસના પ્રતિમણના સૌથી ઉંચામાં રૂ.1536 બોલાયા છે. જે માત્ર સીઝનના જ નહિ પરંતુ આશરે દસ વર્ષનાં હાઈએસ્ટ ભાવ છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં હરાજી દરમ્યાન આ ભાવ બોલાવા પાછળનું કારણ કપાસની માંગ વધુ હોવાનું આજે કપાસની 8000મણની આવક થઈ છે. આ ઉપરાંત ઘઉં, મગફળી, લસણ, ચણા, તલ, સહિતના ઉનાળુ પાકો યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં ઠલવાય રહ્યા છે.