તળાવની પાળના બ્યુટીફિકેશન બાદ હવે શહેરમાં અફલાતુન રિવરફ્રન્ટ પ્રોજેકટની તૈયારીઓનો ધમધમાટ શરૂ

જામનગરમાં મોરકંડા ગામ નજીક થી પસાર થઈ રહેલી શહેરમાંથી પસાર થતી નદીના કિનારાઓ પર આગામી વર્ષોમાં રિવરફ્રન્ટ અસ્તિત્વમાં આવશે અને શહેરની શોભાને ચાર ચાંદ લાગી જશે. શહેરના દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં રિવરફ્રન્ટનો મોટો ભાગ આવશે જેથી આ વિસ્તારનો ચહેરો ખીલી ઉઠશે.

‘અબતક’ સાથેની વાતચીતમાં સ્ટેન્ડિંગ ચેરમેન નિલેષ કગથરાએ રિવરફ્રન્ટ અંગે જણાવ્યું છે કે, અગાઉ આ પ્રોજેક્ટ માટે જે ઉઙછ રાજય સરકારમાં મંજૂર કરાવવામાં આવ્યો છે તેને આધાર બનાવીને ક્ધસલ્ટન્ટ પાર્ટીના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર પ્રોજેક્ટને અમલી બનાવવામાં આવશે. આ દિશામાં આગામી સમયમાં કાર્યવાહીઓ કરવામાં આવશે.

‘અબતક’ દ્વારા આ મુદ્દે કોર્પોરેશનના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના વડા તથા ઇન્ચાર્જ ડેપ્યુુટી કમિશનર ભાવેશ જાનીનો પણ ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગે જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ અંગેનો રિપોર્ટ રાજય સરકારને મોકલવામાં આવ્યો છે અને આગામી સમયમાં સમગ્ર પ્રોજેક્ટની ઝીણામાં ઝીણી વિગતો સાથેનો ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે ઉઙછ  તૈયાર કરવામાં આવશે અને મંજૂરી અર્થે રાજય સરકારમાં મોકલવામાં આવશે.

નગરજનોને યાદ હશે જ કે, આજથી દસેક વર્ષ અગાઉ જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યું હતું કે, શહેરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવશે. એ પછી ઘણી ચૂંટણીઓ આવી અને જતી રહી. આગામી સમયમાં વધુ એક લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે હવે નવેસરથી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેના ચક્રો જામનગર કોર્પોરેશન દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે.

અત્રે એ પણ નોંધનીય છે કે,  ભૂતકાળમાં જામનગર કોર્પોરેશન દ્વારા જે ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર કરવામાં આવી છે તે તમામ વિસ્તારો નજીક આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમલમાં લાવવાની તૈયારીઓ થઇ રહી હોય, આ વિસ્તારોમાં રિઅલ એસ્ટેટ ધંધાર્થીઓ ખુશ હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.

જામનગર કોર્પોરેશનના કમિશનર દિનેશ મોદીએ તાજેતરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેની દરખાસ્ત તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટીની તાજેતરની બેઠકમાં રજૂ કરી હતી અને કમિટીએ આ દરખાસ્ત પર ચર્ચા વિચારણાઓ કરી, આ પ્રોજેક્ટ માટે રાજય સરકારમાંથી રૂપિયા 600 કરોડની ગ્રાન્ટ મેળવવા માટેની બાબતનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે.

દસેક વર્ષ અગાઉ જયારે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલી ત્યારે જે તે સમયે કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ નદીના પટમાંથી ઝાડી ઝાંખરા હટાવવાનું શરૂ કરેલું અને ચારેક કરોડ રૂપિયાના ખર્ચ પછી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા કોર્પોરેશન આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ભૂલી ગયા હતાં.

હવે સૌ નગરજનો એવી અપેક્ષાઓ રાખી રહ્યા છે કે, આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તેજ ગતિએ આગળ વધે અને શહેરને અદભૂત નજરાણું પ્રાપ્ત થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.