શ્રાવણી પૂર્ણિમા એટલે બ્રાહ્મણો માટે ઉત્સવનો દિવસ. કહેવાય છે કે આ દિવસે જ બ્રહ્મર્ષિ વિશ્વામિત્રે ગાયત્રીનું દર્શન કરેલું. માટે જ આ દિવસ બ્રાહ્મણો માટે ઉત્સવનો દિવસ છે.
આ શ્રાવણી પૂનમને દિવસે ભૂદેવો પોતાની જનોઇયજ્ઞોપવિતને શાસ્ત્રોક્ત વિધિ સાથે બદલે છે. અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરે છે. આને ઉપાકર્મ વિધિ પણ કહેવામાં આવે છે.
પૂર્ણિમાના દિવસે વહેલી સવારે એસજીવીપી શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના 175 ઋષિકુમારોએ પ્રાત:કાળે વહેલી સવારે, ગાયત્રીમંત્ર તથા સૂર્યનારાયણના મંત્રને સિદ્ધ કરી, શરીરની શુદ્ધિ માટે પંચગવ્ય ગોમય, ગૌમુત્ર, દૂધ, દહીં, ઘીથી સ્નાન કરી દેહ શુદ્ધિ કરી હતી.
એસજીવીપી ગુરુકુલમાં જ્યાં દરરોજ વૈદિક મંત્રો સાથે હોમ-મહાપૂજા યજ્ઞ થતા રહે છે તે વિશાળ યજ્ઞશાળામાં વૈદિક વિધિ સાથે 175 ઋષિકુમારોએ શાસ્ત્રી ભાર્ગવ ગુરુજી તથા શાસ્ત્રી ચિંતન જોષીના માર્ગદર્શન નીચે નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી.યજ્ઞોપવિત,ધારણ,કર્યા બાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તમામ ઋષિકુમારોને રાખડી (રક્ષા પોટલી) બાંધી હતી.