આગામી ત્રણ-ચાર માસમાં ભારત “ડીપ-ઓશન મિશન” કરશે લોન્ચ; રૂ. ચાર હજાર કરોડનો થશે ખર્ચ

“સમુદ્ર મંથન” સમાન આ મિશનથી દરિયાઈ પેટાળમાંથી અતિ કિંમતી એવા ખનિજોના ભંડાર મેળવાશે; વણવપરાયેલી કુદરતી સંપત્તિના ઉપયોગથી ઉર્જા ક્ષેત્રે મોટો લાભ થશે

આજના આધુનિક યુગમાં અવનવી ટેકનોલોજીના ઉપયોગથી અનેકો શોધખોળ ઉજાગર થઈ છે. ૨૧મી સદીનાં આ સમયમાં અવકાશયાત્રાતો ખરી જ પણ આ સાથે આકાશમાંના ગ્રહો ઉપર ખેતી અને રોકાણ પણ શકય બન્યા છે. જે એક અનન્ય સિધ્ધી ગણી શકાય. આ ક્ષેત્ર તરફ અવનવી શોધખોળ કરી દુનિયાના નકશા પર એક આગવી ઓળખ વિશ્ર્વના દેશો આગેકૂચ કરી રહ્યા છે. રાજા રજવાડાના સમયથી માંડી અનાદીકાળના સમય સુધીની વાત કહીએ, તો અત્યાર સુધી જમીની સરહદોને લઈ વિવાદો ચાલતા હતા. જમીની ટુકડાઓ પર વર્ચસ્વ જમાવવા સંઘર્ષ ચાલતા પરંતુ હવે, વર્ચસ્વની બોલબાલા માત્ર જમીની સરહદ પુરતી સિમિત ન રહેતા તે દરિયાઈ સીમ અને અવકાશી સીમા સુધી પણ પહોચી ગઈ છે. આજના આ આધુનિક યુગમાં દરિયાઈ સપાટીથી માંડી બ્રહ્માંડ સુધીનાં વિકાસની હરિફાઈ જામી છે. એમાં પણ ખાસ વાત કરીએ, દરિયાઈ સંપતિની તો, સમુદ્ર ઘણીપ્રકારે અનેક ઉદ્યોગોમાં મહત્વનો ભાગ ભજવે છે. દરિયામાંથી મળી આવતા ખનીજો દેશની આર્થિક ગતિવિધીમાં પરોક્ષ કે પ્રત્યક્ષપણે મહત્વરૂપ ફાળો પ્રદાન કરે છે. જે કોઈપણ દેશ માટે ખરેખર ‘અમૃતના પ્યાલા’ સમાન છે. અને ભારત સમુદ્રમંથન કરી આ ‘અમૃતનો પ્યાલો’ ભરી પીવા સજજ થયો છે.

તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ભારત સમુદ્રમાં ખનીજો, ઉર્જા અને દરિયાઈ વિવિધતાની શોધ માટે ટુંક સમયમાં એક અતિ મહત્વકાંક્ષી ‘ડીપ ઓશન મીશન’ની શરૂઆત થશે. મંત્રાલયના સચીવ એમ.રાજીવને આ અંગે વધુ જાણકારી આપતા કહ્યું કે, આ મીશન આગામી ત્રણથી ચાર માસમાં શરૂ થઈ જશે. સમુદ્ર અંગે હજી ઘણી એવી સહસ્યપદ માહિતી છે જેના વિશે કોઈ જાણકારી નથી. આ મીશનની મદદથી રોચક તથ્યો સામે આવશે અને આ સાથે કિંમતી ખનીજોનો ભંડાર મળશે. આ માટે રૂપિયા ચાર હજાર કરોડનું ભંડોળ ફાળવાયું છે.

ઉલ્લેખનીય છે કે, ભારત દક્ષિણી વિસ્તારથી ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલો એક દેશ છે. એક બાજુ બંગાળની ખાડી પડે છે. તો બીજી બાજુ અરબી સમુદ્ર ભારતની તટરેખા ૧૯૫૭કીમીની છે. જે દુનિયામાં સૌથી લાંબી છે. ભારતનો વિશાળ દરિયા કિનારો કે જે અનન્ય સંપતિ ધરાવે છે. પરંતુ આ ક્ષેત્ર હજુ સુધી કોઈ મહત્વપૂર્ણ ખોદકામ કે શોધખોળ ન થતા સંપતિ વણવપરાયેલી પડી છે. તેમાં પણ ભારતમાં સૌથી વધુ ૧૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો એકલું ગુજરાત ધરાવે છે. કેન્દ્ર સરકારના આ ‘ડીપ ઓશન મીશન’થી સૌથી વધુ ફાયદો ગુજરાત રાજયને મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

આ ‘સમુદ્ર મંથન’ દ્વારા ભારતના તટપ્રદેશમાં અનેકો તેલક્ષેત્ર ઉજાગર થશે જેનો લાંબાગાળા સુધી લાભ મળતો રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં પ્રથમ વખત તેલક્ષેત્ર મુંબઈમાંથી ઈ.સ. ૧૯૫૪માં મળી આવ્યું હતુ જેના અનુસંધાને ગુજરાતમાં પણ ઉત્પન્ન કાર્ય કરવામાં આવ્યું હતુ. અને વિપુલમાત્રામાં ખનિજ તેલનાં ભંડાર મળી આવ્યા હતા.

આજના યુગમાં સતત વિકાસશીલ રહેવા માટે આ ખનીજ ઉદ્યોગ એક મહત્વના પાયારૂપ બન્યો છે. ભારતના આ ક્ષેત્ર તરફના મંડાણથી કિંમતી પથ્થરો, ખનિજો, કુદરતી ગેસના ભંડારો મળી આવશે. જે સુક્ષ્મ ઉદ્યોગથી માંડી મસમોટા ઉદ્યોગીક એકમો માટે મદદરૂપ સાબિત થશે.

કોલસો, લોખંડ, એલ્યુમિનિયમ, બોકસાઈટ, ચૂનો, જસત, સોનું-ચાંદી, લાઈમ સ્ટોન, સલ્ફેટ, અન્ય કુદરતી ગેસ મોટા જથ્થામાં મળી આવે તેવી શકયતા છે. જે ભારતનાં અનેકો ઉદ્યોગોને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મદદરૂપ નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.