રાજકોટમાં વધતા કેસને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ: 150 બેડની સુવિધા
કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્યની સરકારી તથા ખાનગી કોલેજો તેમજ યુનિવર્સિટીમાં પ્રત્યેક્ષ શૈક્ષણિક કાર્ય આગામી તા.30 એપ્રીલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. દરેક સેમેસ્ટર માટે કોલેજો ઓનલાઈન શિક્ષણ માટે પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે 18મી માર્ચથી 10મી એપ્રીલ સુધી 8 મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દીધું હતું.
જ્યારે 2 એપ્રીલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમીટીની બેઠકમાં રાજ્યમાં 5મી એપ્રીલથી 1 થી 9ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય શાળાઓમાં વર્ગખંડ શિક્ષણ એટલે ઓફલાઈન શિક્ષણ માટે જ છે. જ્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે.
એકબાજુ કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્યભરની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ તેમજ કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસોને જોઈ સૌરાષ્ટ્ર યુનિ.માં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટરમાં 150 બેડની સુવિધા આપવામાં આવી છે. જેમાં સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને એડમીટ કરી શકાશે.
બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે આ પરીક્ષા લેવી કે કેમ ? તેમાં પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે વિદ્યાર્થી અને વાલીમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.