રાજ્ય સરકાર દ્વારા આજથી નવી ગાઇડલાઈનને અનુલક્ષીને અનેક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે રાજ્યમાં બાગ બગીચાઓને પણ મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ રાજકોટ મહાનગર પાલિકામાં સંકલનના અભાવને કારણે આજે વહેલી સવારે 6 વાગ્યાથી મોર્નિંગ વોકિંગ તેમજ એક્સરસાઇઝ માટે આવતા તમામ લોકો ગાર્ડન બંધ જોઈ નિરાશ થઈને પરત જવું પડ્યું હતું. વહેલી સવારે અબતક મીડિયા દ્વારા ગાર્ડનની મુલાકાત લેતા ગાર્ડનના મુખ્ય ગેઇટ પર જ તાળા જોવા મળ્યા હતા.
બાદમાં 8.30 વાગ્યા બાદ પણ ધીમે ધીમે શહેરીજનો ગાર્ડનમાં વોકિંગ માટે પહોંચતા અંતે સિક્યુરિટી ગાર્ડને લોક આક્રોશ જોઈ તાળા ખોલવાની ફરજ પડી હતી. સિક્યુરીટી ગાર્ડ દ્વારા જણાવાયું હતું કે અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ, અમને સુચના હતી કે ગાર્ડન બંધ જ રાખવું. હાલમાં જ સૂચના મળ્યે અમે ગાર્ડન ખોલ્યું છે.
રૂમઝૂમ…રૂમઝૂમ વર્ષા રાણીનું ધીમી ચાલે આગમન, સૌરાષ્ટ્રમાં કેટલા દિવસની આગાહી….
અહિં એક્સરસાઇઝ માટે આવેલા લોકોએ જણાવ્યું હતું કે રાજકોટની અંદર ગાર્ડન બંધ જ ન હોવા જોઈએ, અત્યારે એક્સરસાઇઝ કરવાથી હ્યુમિનિટી વધે છે. તંત્રની મૂર્ખામી અને શું લોજીક છે એ જ નથી સમજાતું. સરકાર દ્વારા જાહેરાત કરવા છતાં અહીં તાળા મારીને રખાયા છે. સિક્યુરિટી ગાર્ડ કહે છે અમોને સૂચના આપવામાં નથી આવી.પહેલેથી જાહેરાત કરી છે તો કોર્પોરેશને ચાવી આપી દેવી જોઈએ. કોર્પોરેશનમાં સંકલન નો અભાવ જણાઈ રહ્યો છે. વોકિંગ માટે રેસકોર્સ ગાર્ડન એક જ સારી જગ્યા છે જ્યાં હજારો લોકો વોકિંગ માટે આવે છે.
લોકો પોતાની હેલ્થ સારી રહે તે માટે અહીં આવતા હોય છે પરંતુ આજે અમે ખૂબ નિરાશ થયા છીએ. કોર્પોરેશન દ્વારા ગાર્ડનો ન ખોલવામાં આવતા આજે અમારે લાફિંગ કલબ બહાર જ ચલાવવુ પડ્યું.આજથી સરકાર સવાર છૂટ મળતા અમે ઘણા મેમ્બર્સ સવારે 6 વાગ્યે રેસકોર્સ ગાર્ડન પહોંચી ગયા હતા પરંતુ અહીં તાળા જોઈને અમે નિરાશ થયા હતા. કોર્પોરેશનને વિનંતી છે કે રેગ્યુલર આ ગાર્ડન પબ્લિક માટે ચાલુ કરાવે.
કોરોના મહામારીમાં સ્વાસ્થ્ય સારું રહે તે માટે મોર્નિંગ વોકિંગ અને એક્સરસાઇઝ ખુબ જ મહત્વની હોઈ અમે ગ્રુપમાં અહીં વોકિંગ માટે આવ્યા હતા પરંતુ ગાર્ડન બંધ જોઈને અચરજ થયું છે. કોર્પોરેશનના અધિકારીઓને નમ્ર વિનંતી છે કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ રાજ્ય સરકારે જ્યારે ગાર્ડનોને ખુલ્લા રાખવા મંજૂરી આપી છે તો તમે શા માટે ગાર્ડનમાં તાળા લગાવો છો?