ખેલ જગતમાં અતિ પ્રતિષ્ઠિત ગણાતો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ક્રિકેટર રોહિત શર્માને મળી શકે છે. એવોર્ડ માટેની પસંદગી સમિતિએ રોહિત શર્મા સહિતના 4 રમતવીરોના નામની હિમાયત કરી છે.
જો આ એવોર્ડ રોહિત શર્માને મળશે તો તેઓ ખેલ રત્નનું સન્માન મેળવનાર ચોથા ક્રિકેટર બની જશે. ભૂતકાળમાં આ એવોર્ડ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંધ ધોનીને અપાયો હતો.
રાજીવ ગાંધી ખેલ રત્ન માટે એવોર્ડ પસંદગી સમિતિ દ્વારા ક્રિકેટર રોહિત શર્મા ઉપરાંત કુસ્તીબાજ વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, પેરાલિમ્પિયન મરિયપ્પન થાનગાવેલુના નામની પણ ભલામણ કરવામાં આવી હતી.
ખેલ રત્ન ઉપરાંત સમિતિ દ્રોણાચાર્ય એવોર્ડ, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ અને રાષ્ટ્રીય રમત પ્રમોશન એવોર્ડ અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીના નામની પણ જાહેરાત કરશે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે 29 ઑગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં આપવામાં આવે છે.
રોહિતે વર્લ્ડ કપમાં 648 રન બનાવ્યા હતા
તાજેતરમાં રાષ્ટ્રીય પુરસ્કાર સમિતિની બેઠક મળી હતી, જેમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે ચાર ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવી હતી. રોહિતે 2019 વર્લ્ડ કપમાં 648 રન બનાવ્યા હતા. વિનેશ એકમાત્ર ભારતીય મહિલા રેસલર છે જેણે અત્યાર સુધી ટોક્યો ઓલિમ્પિક 2021 માટે ક્વોલિફાય કર્યું છે. વિનેશે 2019 ની વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો છે.
મણિકાએ કોમનવેલ્થમાં બે ગોલ્ડ જીત્યા હતા
વિમેન્સ ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય તેણે 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. જો કે, તે હજી ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયા નથી. પેરાલિમ્પિક ખેલાડી મરિયપ્પને વર્લ્ડ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતેલા વર્ષે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે.