કોંગ્રેસે પોતાના લોક કરાયેલા ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ ફેસબુક પેજ પર શેર કરી કહ્યું કે અમે ડરવાના નથી
રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક નેતાઓ બાદ હવે ટ્વિટરે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પણ લોક કરી દીધું છે. કોંગ્રેસે ગુરૂવારે આરોપ લગાવ્યો કે ટ્વિટરે કોંગ્રેસના સત્તાવાર હેન્ડલને લોક કરી દીધુ છે. તેની જાણકારી પાર્ટીએ પોતાના ફેસબુક પેજ દ્વારા આપી છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્વિટરે નિયમોના ઉલ્લંઘનને લઈને કાર્યવાહી કરી છે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પર સોશિયલ મીડિયા કંપનીએ પગલા ભર્યા છે.
કોંગ્રેસે પોતાના લોક કરાયેલા ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ ફેસબુક પેજ પર શેર કર્યો છે અને લખ્યું છે- જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા તો અમે ડર્યા નહીં, હવે ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યું પરંતુ અમે ડરવાના નથી. અમે કોંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છે, અમે લડીશું, લડતા રહીશું. જો બળાત્કાર પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો ગુનો છે, તો અમે આ ગુનો 100 વખત કરીશું. જય હિંદ… સત્યમેવ જયતે.
આ પહેલા બુધવારે મોડી રાત્રે કોંગ્રેસે દાવો કર્યો હતો કે રણદીપ સુરજેવાલા સહિત પાર્ટીના પાંચ વરિષ્ઠ નેતાઓના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટીના સચેતક મનિકમ ટૈગોર, અસમ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રિ જિતેન્દ્ર સિંહ તથા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાછલા સપ્તાહે દિલ્હીમાં કથિત બળાત્કાર અને હત્યાની શિકાર નવ વર્ષની બાળકીના પરિવારની સાથે તસવીરો ટ્વીટ કરી હતી. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે રાહુલ ગાંધીના ટ્વીટ પર હસ્તક્ષેપ કર્યો અને ટ્વિટરને સગીર પીડિતાની નિજતાનું ઉલ્લંઘન કરવા માટે કોંગ્રેસ નેતાના એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.