હજુ થોડા સમય પહેલા જ રાહુલ ગાંધી પર મોદી અટક વિરુદ્ધ ટિપ્પણી કરતાં સુરત હાઈકોર્ટે દોષિત જાહેર કર્યા હતા ત્યારે હવે અરવિંદ કેજરીવાલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડીગ્રીની જાણકારી મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. ચાલો જાણીએ વિગતવાર શું કહ્યું ગુજરાત હાઈ કોર્ટે !!
ગુજરાત હાઈકોર્ટે પીએમ નરેન્દ્ર મોદીની એમએની ડિગ્રી રજૂ કરવાના કેન્દ્રીય માહિતી આયોગના આદેશને ફગાવી દીધો છે. આ સિવાય હાઈકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી બતાવવાની જરૂર નથી. હાઈકોર્ટની જસ્ટિસ બિરેન વૈષ્ણવની સિંગલ બેન્ચે કેન્દ્રીય માહિતી આયોગના આદેશને બાજુ પર રાખ્યો હતો, જેમાં પીએમઓના માહિતી અધિકારી ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીને . પીએમ મોદીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી ચકાસવા માટે આદેશો આપવામાં આવ્યા હતા.
આ સાથે કોર્ટે ડિગ્રી બતાવવાની માંગ કરનાર અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય માહિતી આયોગના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પર આ નિર્ણય આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર, તેમણે 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ 1983માં દિલ્હી યુનિવર્સિટીમાંથી પીજી કર્યું હતું. ગયા મહિને આ મામલાની સુનાવણી દરમિયાન યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ મામલામાં છુપાવવા જેવું કંઈ નથી. પરંતુ યુનિવર્સિટીને માહિતી આપવા દબાણ કરી શકાય નહીં.