રાજકોટથી દૈનિક સાંજે ૬.૩૦ કલાકે ઉપડશે: ૨૫ ટકા ડિસ્કાઉન્ટ, બાદ કરતા ભાડુ રૂ.૮૨૯ થશે
રાજકોટ એસ.ટી વિભાગનાં વહીવટી તંત્રએ રાજકોટથી વધુ એક આંતરાજય વોલ્વો બસ સેવા શરૂ કરી છે. તાજેતરમા રાજકોટથી પૂના વોલ્વો સિલ્વર, શરૂ કરાયા બાદ હવે ગઈકાલથી રાજકોટથી નાથદ્વારા માટે સ્લિપર વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. તેમ રાજકોટ એસ.ટી.નાં વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવેલ હતુ.
તેઓએ વિગતો આપતા જણાવેલ હતુ, કે ગઈકાલથી રાજકોટથી સાંજે ૬.૩૦ કલાકે નાથદ્વારા જવા માટે સ્લિપર વોલ્વો ઉપડશે જે ચોટીલા, અમદાવાદ, હિંમતનગર, શામળાજી, રતનપૂર, ઉદયપૂર, કૈલાશપુર થઈ નાથદ્વારા પહોચશે.
જયારે નાથદ્વારાથી રાજકોટ આવવા માટે પણ સાંજે ૬.૩૦ કલાકે જ સ્લિપર વોલ્વો ઉપડશે. રાજકોટથી નાથદ્વારા જવાનું ભાડુ રૂ.૧૧૦૫ છે પરંતુ, એસ.ટી. પ્રિમીયમ સેવા અંતર્ગત ૨૫% ડિસ્કાઉન્ટ આપશે એટલે રૂ. ૨૭૬ કપાતા ભાડુ ‚ારૂ ૮૨૯ થશે.