- નવા મીટરમાં વધુ બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ ગેરસમજણ દૂર કરવા સરકારે નવો રસ્તો કાઢ્યો
સ્માર્ટ વીજ મીટરને લઈને રાજ્યભરમાં દેકારો મચ્યો છે. સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર પણ યથાવત રાખવામાં આવશે તેવું જાહેર થયું છે.
સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. કે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથો-સાથ જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે.
અગાઉ રાજ્યની ચારેય વીજ કંપનીઓને વડાઓને ગાંધીનગરનું તેડુ મોકલાયુ હતું. પાટનગરમા ઉર્જા વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા છે. વડોદરાના નાગરિકે સ્માર્ટ મીટરને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટર એટલેકે, લાઈટના સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલત ચાલી રહી છે. આ સ્માર્ટ મીટરમાં તમારે મોબાઈલની જેમ પહેલાં બિલ ભરવાનું રહે છે અને પછી તમને લાઈટ મળે છે. જો રીચાર્જ કરવાનું રહી જાય તો ચાર પાંચ દિવસ પછી બત્તી થઈ જાય છે ગુલ. એક સમસ્યા નથી, લાઈટના આ સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લાગ્યા છે એ લોકોના ડબલ અને ત્રણ ગણા બિલ આવ્યાં હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. જોકે, તંત્ર દ્વારા આ લોકોની ફરિયાદ સાંભળવામાં આવતી નથી. ત્યાં તો માત્ર કહી દેવામાં આવે છેકે, બિલમાં દર્શાવે છેકે, તમારા આટલા યુનિટ વપરાયા છે એટલે અની સામે તમારા આટલા પૈસા કપાશે. તો હવે ફરિયાદ ક્યાં કરવાની. આવી સ્થિતિમાં આ આખો વરઘોડો હવે કોર્ટમાં પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છેકે, સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હવે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. એવી પણ દલીલ કરવામાં આવી છેકે, સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રોહકોનું હિત જોવાયું નથી. મધ્ય ગુજરાત વિજ કંપની લી. દ્વારા જૂના ઈલેક્ટ્રિસિટી મીટર કાઢીને નવા પ્રિ પેઈડ મીટર લગાડવાની શરુ કરાયેલી કાર્યવાહીનો ચોમેર વિરોધ થઈ રહયો છે. આ યોજનાના અમલ સામે કાયદાકીય રીતે વિરોધ નોંધાવી રહેલાં બાજવાના એક નાગરિકે એમ.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટર, કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવરના સેક્રેટરી વિગેરે સામે ગુજરાત હાઈકોર્ટમાં પાર્ટી ઈન પર્સન તરીકે યાચિકા દાખલ કરી છે.