રાજકોટ શહેરમાં ધમધમતી અનેક હોટેલોના અનેકવિધ પ્રકારની ’સર્વિસ’ અપાતી હોય તે વાતથી સૌ કોઈ વાકેફ છે. શહેરની અનેક ’આલીશાન’ હોટેલમાં ’છાંટાપાણી’થી માંડી ’રંગીન’ મિજાજીઓના મિજાજ ’રંગીન’ કરવા સુધીની ’સ્પેશ્યલ સર્વિસ’ આપવામાં આવે છે તેવી લોકમુખે ચર્ચા થતી જ રહેતી હોય છે તેવા સમયમાં એ-ડિવિઝન પોલીસે તેમના તાબા હેઠળની એક હોટેલમાં ચેકીંગ હાથ ધરી કર્મચારીઓના વેરિફિકેશન નહિ કરાવવા બદલ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કર્યો છે. ત્યારે હવે બેફામ ધમધમતા હોટેલોમાં દરોડા પાડી દુષણોને દૂર કરવામાં આવશે તેવી આશા વ્યાપી છે. પોલીસના એક ડગલાંએ સજ્જોને એક આશાનું કિરણ દેખાડ્યું છે.
એ ડિવિઝન પોલીસે હોટેલ બ્લુ લીફમાં ચેકીંગ હાથ ધરતા સ્ટાફ વેરિફિકેશન મળી ન આવ્યું : ગુનો દાખલ
શહેરના એ-ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં અસંખ્ય હોટેસ્ટ – ગેસ્ટહાઉસ આવેલા છે. જે પૈકી દીવાનપરા મેઈન રોડ પર આવેલી હોટેલ બ્લુ લીફ ખાતે તપાસ કરતા ત્યાં હાજર આશરે 6-7 જણાનો સ્ટાફ મળી આવ્યો હતો પરંતુ તેમનું પોલીસ વેરિફિકેશનની વિગતો નહિ મળી આવતા હોટેલ સંચાલક જીગર ભરતભાઈ લોખીલ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. હવે જયારે જાહેરનામા ભંગ બદલ હોટેલ બ્લુ લીફના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આ વિસ્તારની અઢળક હોટેલમાં ચાલતા દુષકૃત્ય સામે કશુંક પગલાં લેવાશે તેવી આશા સ્થાનિકોમાં જાગી છે. આ વિસ્તારની અમુક હોટેલમાં સમગ્ર દિવસ દરમિયાન સતત સમાજ વિરોધી કૃત્યો આચરવામાં આવે છે. જેના લીધે ત્યાંથી પસાર થતાં લોકોએ પણ મોઢા ફેરવી લેવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
એક હોટેલમાં તો પોલીસ અધિકારી જ ભાગીદાર…! લોકમુખે ચર્ચા
સ્થાનિક વર્તુળોમાં એક એવી ચર્ચા છે કે, ધર્મેન્દ્ર રોડ પર ચડતાની સાથે જ જમણી બાજુની એકાદી શેરીમાં આવેલી અને મહાભારતના એક પાત્ર કે જેમને ’મૈયા’ તરીકે સંબોધીત કરવામાં આવે છે તેવા ભળતા નામવાળી હોટેલમાં ક્યાંક એકાદો પોલીસ અધિકારી (કદાચ નિવૃત) જ ભાગીદાર છે. જેના લીધે આ હોટેલ તરફ કોઈ નજર પણ ઉઠાવી ન શકે તેવા બણગા હોટેલના કર્મચારીઓ આસપાસના લોકો પાસે ફૂંકતા હોય છે. ખાસ ચર્ચા તો એવી પણ છે કે, આ પોલીસ અધિકારી (નિવૃત) પોતે જ આ હોટેલના રખોપા કરે છે. હવે આ વાત કેટલી સાચી કે ખોટી છે તે આપણી બાહોશ પોલીસ તપાસ કરે ત્યારે જ ખ્યાલ આવશે. હાલ તો આ ફકત એક લોકમુખે ચર્ચાતી વાતો જ છે.
પોલીસ મથકની ’તદ્દન’ સામેની એક હોટેલમાં ખાલી ડોકિયું કરાય તો પોલ ખુલી જાય…
જાણકારોના જણાવ્યા અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ’તદ્દન’ સામેની એક હોટેલમાં દેહ વ્યાપારનો ધંધો આખો દિવસ અને મોડી રાત સુધી ચાલતો રહે છે. ત્યાંથી પસાર થતી વેળાએ સજ્જનોએ તો મોઢા ફેરવી લેવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ ગઈ છે. આ હોટેલના ગ્રાઉન્ડ ફ્લોરમાં રિસેપ્શનની સામે આવેલા બે રૂમ અને એક હોલ જેવા રૂમમાં ફકત ડોકિયું કરવામાં આવે તો આ રેકેટનો પોલ ખુલી જાય તેમ છે. હોટેલના ’ઓટલે’ જાહેરમાં જ ગણિકાઓને બેસાડી આ દેહ વ્યાપારનો કાળો કારોબાર ચલાવવામાં આવે છે ત્યારે સ્થાનિકો પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.