ઉત્તર કોરિયાના પરમાણુ પરિક્ષણોથી વધેલા તણાવ વચ્ચે હવે ઈરાને એક નવી મિસાઈલનું પરીક્ષણ કર્યુ છે. અમેરિકાની ચેતવણીને ઘોળીને પી જઈને ઈરાને આ પગલું ઉઠાવ્યું છે. આવા સંજોગોમાં ઈરાનની આ કાર્યવાહીને સીધી રીતે અમેરિકા માટે પડકાર જોવામાં આવી રહ્યો છે. હકીકતમાં ટ્રમ્પે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં સામેલ લોકો કે ઈરાન સાથે કારોબાર કરનારા લોકો પર દંડ ફટકારવાની જોગવાઈવાળા એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. એક અહેવાલ મુજબ ઈરાનના સરકારી ટેલિવિઝન પર મિસાઈલ પરીક્ષણની કેટલીક તસવીરો પણ પ્રસારિત કરવામાં આવી છે.
એક દિવસ પહેલા જ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું હતું કે તેમનો દેશ અમેરિકા અને ફ્રાન્સની આલોચના છતાં પોતાની બેલિસ્ટિક મિસાઈલ ક્ષમતાઓને આગળ વધારશે. ઈરાક-ઈરાન યુદ્ધ શરૂ થવાની વરસી પર રુહાનીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે તમે ભલે પસંદ કરો કે નહીં, પરંતુ અમે અમારી સૈન્ય ક્ષમતાઓને મજબુત કરવા જઈ રહ્યા છીએ જે બચાવ માટે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે અમે મિસાઈલ ક્ષમતાઓ મજબુત કરવાની સાથે સાથે હવાઈ, જમીની અને સમુદ્રી દળોને પણ શક્તિશાળી બનાવીશું. જ્યારે પોતાના દેશની રક્ષાની વાત આવે ત્યારે અમારે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી.
ઈરાન અને વિશ્વની મોટી તાકાતો વચ્ચે 2015ની પરમાણુ સમજૂતિ પર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની આલોચના હવે ઈરાનના મિસાઈલ કાર્યક્રમ પર કેન્દ્રીત થઈ ગઈ છે. આવામાં ઈરાને કહ્યું કે સમજૂતિની શરતો મુજબ મિસાઈલો સંપૂર્ણ રીતે કાયદેસર છે કારણ કે તે પરમાણુ હથિયારો લઈ જવાને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી નથી. આ બાજુ અમેરિકાનું કહેવું છે કે ઈરાને સમજૂતિની ભાવનાનો ભંગ કર્યો છે કારણ કે મિસાઈલો પરમાણુ હથિયારો લઈ જવામાં સક્ષમ છે. અમેરિકાને આ વલણને ફ્રાન્સનું પણ સમર્થન મળ્યુ છે.
ઈરાને શુક્રવારે 2000 કિલોમીટર સુધીના મારક ક્ષમતાવાળી પોતાની નવી બેલિસ્ટિક મિસાઈલ રજુ કરી હતી જે ઈઝરાયેલ સહિત પશ્ચિમ એશિયાના મોટાભાગના વિસ્તારોમાં પહોંચવા માટે સક્ષમ છે. તહેરાનમાં શુક્રવારે એક સૈન્ય પરેડ દરમિયાન આ મિસાઈલ રજુ કરવામાં આવી. ચીફ ઓફ ધ ગાર્ડે એરસ્પેસ ડિવિઝનના પ્રમુખ જનરલ આમિર અલી હાજીજાદેહના હવાલે જણાવ્યું હતું કે નવી મિસાઈલ વિભિન્ન હેતુઓ માટે અનેક હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.