કૃષિ વિકાસ માટે કરોડરજ્જુ સમાન ઈન્ફાસ્ટ્રકચરને વિકસાવવા રૂા.૧ લાખ કરોડના ભંડોળને કેન્દ્રીય કેબીનેટની લીલીઝંડી
ચાલુ વર્ષે મેઘરાજા ખેડૂતો માટે કંચન બનીને વરસ્યા છે. ઉપરાંત સરકારે પણ ખેડૂતોની આવક વધારવા માટે અનેકવિધ યોજનાઓની અસરકારક અમલવારી કરી છે. દેશમાં વાવેતર પણ અન્ય વર્ષની સરખામણીએ ખુબ સારૂ થયું છે. અનાજના ભંડારો છલકાઈ જશે તેવી આશાઓ છે. ત્યારે સરકારે મેઘમહેર બાદ મબલખ આવક ખેડૂતોને થાય તે માટે ખેડૂતલક્ષી યોજનાની
અમલવારી કરી છે. ગઈકાલે કેન્દ્રીય કેબીનેટે ખેતીના ઈન્ફાસ્ટ્રકચરને વિકસાવવાના હેતુથી રૂા.૧ લાખ કરોડનું તોતીંગ ફંડ મંજૂર કર્યું હતું.
ખેતીમાં ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરીને ખેડૂતોની આવક સરળતાથી વધારી શકાય છે. ચાલુ વર્ષે સારા વરસાદ અને ઉંચા વાવેતરના કારણે ખેડૂતોને ચાંદી હી ચાંદી રહેશે તેવી શકયતા છે.
લોકડાઉનના કારણે અર્થતંત્રની કમર તૂટી ગઈ છે પરંતુ કૃષિના કારણે ડગમગાયેલું અર્થતંત્ર ફરીથી સ્થિર થશે. અત્યાર સુધી દેશના અર્થતંત્રમાં ૬૫ ટકા હિસ્સો કૃષિ અથવા કૃષિ આધારિત ક્ષેત્રનો હતો.
હજુ પણ અર્થતંત્ર કૃષિના કારણે જ વિકાસ પામશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ઈન્ફાસ્ટ્રકચરના સહારે સરકારે કૃષિ પેદાશો ઝડપથી બજારમાં ઠાલવવામાં મદદ મળશે.
આંકડા મુજબ લણણી સમયે દેશમાં ૨૦ ટકા ખેત ઉત્પાદનોનો નાશ થતો હોય છે. પોસ્ટ-હાર્વેસ્ટ દરમિયાન થતાં બગાડને અટકાવવા માટે ઈન્ફાસ્ટ્રકચર હુકમનો એક્કો સાબીત થશે. જો ખેડૂતોનું નુકશાન ઘટશે તો આવકમાં પણ આપો આપ વધારો થશે. સરકારે જાહેર કરેલી યોજના અંતર્ગત રૂા.૧ લાખ કરોડની રકમ બેંકો અને નાણાકીય સંસ્થાઓના માધ્યમથી પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટી (પીએસીએસ), માર્કેટીંગ કો.ઓપરેટીવ સોસાયટી,
ફાર્મર પ્રોડ્યુટર ઓર્ગેનાઈઝેશન, સ્વયંમ સંચાલીત સમૂહો અને સહકારી સમૂહો તેમજ મલ્ટીપર્પઝ કો.ઓપરેટીવ સોસાયટીને આપવામાં આવશે. નવા સ્ટાર્ટઅપ અને સ્થાનિક તંત્ર દ્વારા થયેલી પ્રાઈવેટ પબ્લિક પાર્ટનરશીપમાં પણ આ ફંડ અપાશે.
ચાલુ નાણાકીય વર્ષમાં રૂા.૧૦,૦૦૦ કરોડની લોન અપાશે. કુલ ચાર વર્ષ દરમિયાન રૂા.૧ લાખ કરોડની લોનની અમલવારી થશે. ચાલુ વર્ષે ૧૦,૦૦૦ કરોડ જ્યારે બાકીના ૩ વર્ષ દરમિયાન ૩૦-૩૦ હજાર કરોડની ફાળવણી સરકાર દ્વારા થશે. દેશની કૃષિના ઈન્ફાસ્ટ્રકચરના વિકાસ માટે આ યોજના ખુબજ મહત્વપૂર્ણ સાબીત થશે.
ક્યાં કેવી રીતે અપાશે સહાય?
રૂા.૧ લાખ કરોડનું ભંડોળ બેંકો અને નાણાકીય સંસ્થાઓના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડાશે. ચાર વર્ષમાં રૂા.૧ લાખ કરોડ વપરાશે. ૩ ટકા વ્યાજ, સબસીડી પણ મળશે. ૨ કરોડ સુધીની લોન લીમીટ રહેશે. વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓના માધ્યમથી લોન ખેડૂતો સુધી પહોંચશે.