શહેરની ભાગોળે આવેલા અગાઉ માધાપર ગ્રામ પંચાયત હસ્તક હેઠળની અને હાલ મહાપાલિકામાં ભળી ગયેલી સોસાયટીઓમાં દોઢ માસથી પીવાના પાણીની મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારની સોસાયટીઓની મહિલાઓનું એક પ્રતિનિધિ મંડળ મહાપાલિકા કચેરીએ ઘસી ગયું હતુ.
મહિલાઓએ મહાપાલિકા કચેરીએ એક આવેદન પત્ર પાઠવી માધાપર વિસ્તારની સોસાયટીઓનો પીવાના પાણીનો પ્રશ્ર્ન હલ કરવા માંગ કરી છે.
જામનગર રોડ પરની માધાપર વિસ્તારની સોસાયટીઓ પરાસર પાર્ક, કૃષ્ણનગર, વોરા સોસાયટી, સત્યમ-શિવમ પાર્ક વિસ્તારની મહિલાઓ મીનાબા જાડેજા, ભાવનાબેન પટેલ, જીજ્ઞાબેન ત્રિવેદી, વગેરેની આગેવાની હેઠળ મહાપાલિકા કચેરીએ ઘસી ગઈ હતી અને પોતાના રહેણાંક વિસ્તારોમા પીવાના પાણી માટેની ડંકીઓ બોર ડૂકી ગયા હોવાથી ફેબ્રુઆરી માસથી પીવાના પાણીની મુશ્કેલી ઉભી થઈ છે. ચૂંટણી અગાઉ પ્રચાર વખતે રજૂઆત કરાઈ હતી ત્યારે ચૂંટણી પૂરી થયા પછી કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતુ. પણ હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હોદેદારોએ હોદા પણ સંભાળી લીધા છે ત્યારે આ સોસાયટીઓનો પીવાના પાણી પ્રશ્ર્ન તત્કાલીક હલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
માધાપર ગ્રામ પંચાયત હતી ત્યારે તાલુકા પંચાયત દ્વારા ફેબ્રુઆરી માસની શરૂઆતથી જ પીવાના પાણીના ટેન્કરો શરૂ થઈ જતા હતા. પણ મહાપાલિકામાં ભળ્યાપછી મહાપાલિકાએ કે સરકારે કોઈ નિર્ણય નહી લેતા મહિલાઓની ઉપાધિ વધી ગઈ છે. મહિલાઓનાં પ્રતિનિધિમંડળે તાકીદે પાણી માટે ટેન્કરો શરૂ કરી પીવાનું પાણી આપવામાં આવે તેવી માંગણી કરી છે.