નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ગુજરાતને આ વર્ષ 11.7 મિલિયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય: ઉનાળામાં પાણીની કોઇ જ હાડમારી નહી સર્જાઈ

રાજ્યના 80 ડેમ, 150 તળાવ અને 900થી વધુ ચેકડેમને ઉનાળામાં નર્મદાના નીરથી ભરી દેવામાં આવશે

ગુજરાતની જનતા માટે ખુબ જ સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની ઉંચાઇમાં વધારો કરાયા બાદ આ વર્ષ ગુજરાતને સૌથી વધુ 11.7 મિલીયન એકર પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષ ઉનાળાની સિઝનમાં કાળઝાળ તડકામાં રાજ્યમાં પાણીની કોઇ હાડમારી સર્જાશે નહી.

ભોપાલ ખાતે ગઇકાલે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની એક બેઠક મળી હતી. જેના ચાલુ સાલ ઉનાળાની સિઝનમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોને નર્મદા ડેમમાંથી કેટલું પાણી આપવો તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રમાં વર્ષ-2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણમાં એનડીએની સરકાર રચાયાના 17 દિવસમાં જ નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપવામાં આવી હતી.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાની કામગીરી વર્ષ-2017માં પૂર્ણ થઇ હતી. દરવાજા મૂકવામાં આવતા ડેમની ઉંચાઇ 121.92 મીટરથી વધી 138.68 મીટરની થઇ જવા પામી હતી અને જળ સંગ્રહશક્તિમાં ત્રણ ગણોનો વધારો થયો હતો.

છેલ્લા ચારેક વર્ષથી નર્મદા ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરવામાં આવી રહ્યો છે. ડેમમાંથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ કુલ ત્રણ રાજ્યોને પાણી આપવામાં આવે છે. ડેમની ઉંચાઇમાં વધારો કરાયા બાદ પ્રથમવાર આ વર્ષ ગુજરાતને 11.7 મિલિયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા લેવામાં આવ્યો છે. ભૂતકાળમાં ગુજરાતને ક્યારેય આટલી મોટી માત્રામાં નર્મદાના નીરની ફાળવણી કરવામાં આવી નથી.

દર વર્ષ ઉનાળાની સિઝનમાં રાજ્યમાં પાણીની હાડમારી સર્જાતી હોય છે. આ વખતે ગુજરાતને 11.7 મિલિયન એકર નર્મદાના નીર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળામાં રાજ્યના 80 ડેમ, 150 તળાવ અને નાના-મોટા 900 ચેકડેમને નર્મદાના નીરથી ભરી દેવામાં આવશે. રાજ્યની જનતાએ ચોમાસાની સિઝન સુધી પીવાના કે સિંચાઇના પાણીની કોઇ સમસ્યા ઉભી ન થાય તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવશે.

નર્મદા ડેમને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડાના વિસ્તારો સુધી નર્મદાના નીર પહોંચતા પાણીની સમસ્યા ભૂતકાળ બની જવા પામી છે. આ વર્ષ ગુજરાતને અત્યાર સુધીમાં સૌથી વધુ નર્મદાનું પાણી આપવાનો નિર્ણય નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા લેવામાં આવતા રાજ્યમાં પાણીની કોઇ જ સમસ્યા ચોમાસા સુધી સર્જાશે નહી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.