વિધાનસભાનું બજેટ સત્ર પુરુ થતા ગૃહ વિભાગ દ્વારા આઈપીએસની બદલીનો ગોઠવાયો તખ્તો
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હનુમાન જયંતી નિમિતે સાળંગપુર આવી રહ્યા છે ત્યારે બદલી અને બઢતીના લીસ્ટને આખરી ઓપ અપાશે
વિધાનસભાનું બજેટ સત્ર પુરુ થતા રાજય સરકાર દ્વારા 109 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અને ટૂક સમયમાં જ આઇપીએસ અધિકારીઓની બદલીનો ઘાણવો નીકળશે તેવો તખ્તો ગોઠવાયો છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ અત્યારથી જ મહાનગરોમાં પોલીસ કમિશનર અને જિલ્લા કક્ષાએ એસપીની બદલી થવાના નિર્દેશ મળી રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આગામી તા.30 એપ્રિલના રોજ નિવૃત થઇ રહ્યા છે.
ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરની મહત્વની જગ્યા પર કોને નિમણુંક આવી તે અંગે ચર્ચા-વિચારણાને ધ્યાને લઇને બદલી કરવામાં આવશે તાજેતરમાં જ જીએસ કેડરમાંથી આઇપીએસ કેડરમાં નીમણુંક પામેલા અધિકારીઓ હાલ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ લઇ રહ્યા છે. અને આજે વધુ 11 એસપી કક્ષાના આઇપીએસ અધિકારીઓને હૈદરાબાદ ખાતે ખાસ ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા છે. ત્રણ માસ સુધી ઇન્વેસ્ટીગેશન સહિતના મુદે ચાલનારી સ્વૈચ્છીક ટ્રેનિંગ દરમિયાન હંગામી ચાર્જ સોપવામાં આવ્યો છે.
વડોદરા ખાતે રામનવમી નિમિતે નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટના અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સમાં આકરી પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ હનુમાન જંયતીના દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાળંગપુર ખાતે આવી રહ્યા છે. ત્યારે આઇપીએસ અધિકારીઓની બદલી અને બઢતીના લીસ્ટને આખરી ઓપ આપવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.