લોકસભાની બેઠક વાઇઝ નિમાયેલા નિરીક્ષકો આજથી પોતાના વિસ્તારમાં જશે: પખવાડીયામાં ફરી રિવ્યુ બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકના વિજય સંકલ્પ સાથે કોંગ્રેસના નીરીક્ષક અને છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મીલીન્દ દેવરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્મા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ અખિલ ભારતીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ તમામ લોકસભા નીરીક્ષકો સાથે સંવાદ બેઠક યોજી હતી.
ટી.એસ. સિંહદેવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ જીવંત, મજબુત અને બળવાન છે. આવનારા દિવસોમાં કેવુ ગુજરાત બનાવવા માંગીએ છીએ એ વાતને લઈને કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈશું. અમારો ચૂંટણી ઢંઢેરો નવા ગુજરાતનો આધાર હશે.ડો. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠકો સાથે આગામી વિધાનસભા 2022ની ચૂંટણી જીતશે. ગુજરાતમાં શહેરી વિસ્તારો માટે વિશેષ પ્લાનીંગ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા જનજનને સાંકળીને 2000 થી વધુ બેઠકો યોજી ચૂંટણી ઢંઢેરો – સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ચારેય ઝોનમાં કોંગ્રેસની જનસરકાર લાવવામાં આવશે તેવો નિર્ધાર કર્યો હતો.
કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક વિધાનસભાની સમસ્યાઓને સાંકળીને, જનતાના મુદ્દાને સાંકળીને, વિધાનસભા દીઠ ચૂંટણી ઢંઢેરા જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં હરીફાઈ માત્રને માત્ર ભાજપ – કોંગ્રેસ વચ્ચે છે. બાકીની તમામ પાર્ટીઓ ભાજપની બીટીમ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકારે જણાવ્યું હતું કે નોર્થ, સેન્ટ્રલ, સૌરાષ્ટ્ર અને સાઉથ એમ ચારેય ઝોનમાં ‘મારૂ બુથ, મારૂ ગૌરવ’ કાર્યક્રમ અંતર્ગત બુથ મેનેજમેન્ટનું માઈક્રોપ્લાનીંગ કરવામાં આવશે. 26 રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ લોકસભા નીરીક્ષકો, તમામ જીલ્લા પ્રમુખો, પ્રદેશ લોકસભા નીરીક્ષકો, વિધાનસભા પ્રદેશ નીરીક્ષકો અને સ્થાનિક ધારાસભ્યો સાથે બુથ મેનેજમેન્ટ, મેનીફેસ્ટ્રો, કેમ્પેઈન, આંદોલનાત્મક કાર્યક્રમો સહિતના મુદ્દે ઝોન દીઠ વિશેષ મેરથોન બેઠક યોજાઈ હતી.
નિમાયેલા સીનીયર નીરીક્ષકો આજથી પોતાના વિસ્તારમાં જશે. 10 થી 15 દિવસ બાદ ફરી રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય નામના મેળવનાર અને અનેક એવોર્ડ વિજેતા, ત્રીસ વર્ષથી વધુ વિદેશમાં રહેનાર બેરીસ્ટર એવા શ્રીમતી ભારૂલત્તા કાંબલે અને સુરતના નામાંકીત ન્યુરો સર્જન એવા ડો. સુબોધ કાંબલે આજરોજ કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરાઈને પક્ષમાં જોડાયા હતા.બેઠકમાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, દંડક સી.જે. ચાવડા, એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી બી.એમ. સંદીપ, ઓમપ્રકાશ ઓઝા, ઉષા નાયડુજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, જીગ્નેશ મેવાણી, લલીતભાઈ કગથરા, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, રૂત્વિજ મકવાણા, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, ડો. પ્રભાબેન તાવીયાડ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, આઈ.સી.સી.ના પ્રવક્તા રોહન ગુપ્તા, એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળના અધ્યક્ષો સહિત સીનીયર આગેવાનો બેઠકમાં હાજર રહ્યાં હતાં.