- શું ASI કાનગડના હાથે ડબલ કસ્ટોડિયલ ડેથ?: તપાસનો ધમધમાટ
- મોડી રાત્રે સરકારી હોસ્પિટલ ખાતે દલિત સમાજના ટોળાં ઉમટ્યા : સ્થિતિને કાબુમાં રાખવા પોલીસ અધિકારીઓ દોડી ગયાં
રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ મથકના એએસઆઈ અશ્વિન કાનગડ દ્વારા માર મારવામાં આવતા અગાઉ હમીર ઉર્ફે ગોપાલ રાઠોડનું મોત નીપજ્યા બાદ ગત રાત્રે રાજુ સોલંકી નામના વધુ એક યુવકનું મોત નીપજતા દલિત સમાજના ટોળેટોળા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અગાઉ લાશ સ્વીકારવાની ના પાડ્યા બાદ પોલીસે ન્યાય અપાવવાની ખાતરી આપ્યા બાદ હાલ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યો છે અને ત્યારબાદ પરિવાર લાશ સ્વીકારી લેશે તેવા સમાચાર સામે આવ્યા છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખરેખર રાજુ સોલંકીના મોત પાછળનું રહસ્ય સામે આવશે. બીજી બાજુ હાલ એએસઆઈ અશ્વિન કાનગડ બે દિવસના રિમાન્ડ પર છે. ત્યારે શું કાનગડના મારથી જ બંને યુવકોના મોત નીપજ્યા છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
શહેરના ગોંડલ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા યુવકને થયેલા પાડોશી સાથેના ઝઘડામાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ કાનગડે યુવક, તેના પુત્ર અને તેના મિત્રને ઉઠાવી જઇ ઢોરમાર માર્યો હતો. યુવકના મિત્રનું તા.16ના મૃત્યુ થતાં જમાદાર કાનગડ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. કાનગડ રિમાન્ડ પર છે ત્યાં જ બુધવારે રાત્રે યુવકનું મોત નીપજતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો છે અને જ્યાં સુધી બંને મૃતકના પરિવારજનોને આર્થિક મદદ તેમજ તટસ્થ અધિકારીને તપાસ સોંપવામાં ન આવે ત્યાં સુધી લાશ સંભાળવાનો ઇનકાર કરી દેતા પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી.
ખોડિયારનગરમાં રહેતા રાજુભાઇ ભગવાનજીભાઇ સોલંકી (ઉ.વ.40)ને ગત તા.15ની રાત્રીના તેમની પાડોશમાં રહેતા વ્યક્તિ સાથે માથાકૂટ થતાં પાડોશીએ માલવિયાનગર પોલીસને બોલાવી હતી. પોલીસને બોલાવતાં રાજુભાઇનો પુત્ર જય સોલંકી આંબેડકરનગરમાં દોડી ગયો હતો અને રાજુભાઇના મિત્ર હમીરભાઇ દેવજીભાઇ રાઠોડને બોલાવી આવ્યો હતો. હમીરભાઇ સમાધાનનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે માલવિયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ અશ્વિન કાનગડ રાજુભાઇ સોલંકી અને હમીરભાઇ રાઠોડને ઉઠાવી ગયા હતા.
બંનેને પોલીસ સ્ટેશનમાં ઢોરમાર મારવામાં આવ્યો હતો અને મોડીરાત સુધી ત્રાસ આપ્યા બાદ જવા દેવામાં આવ્યા હતા તેવા આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યા હતા. ઘવાયેલા રાજુભાઇ અને હમીરભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી હમીરભાઇ સોલંકીનું તા.16ના રાત્રીનાં મોત નીપજ્યું હતું. હમીરભાઇનું પોલીસના મારથી મોત નીપજતા એએસઆઇ અશ્વિન કાનગડ સહિતનાઓ સામે હત્યાનો ગુનો નોંધવાની માંગ સાથે તેમના પરિવારજનો સહિતનાએ દેખાવ કરી આક્રોશ ઠાલવ્યો હતો અને અંતે પોલીસે અશ્વિન કાનગડ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતા જ અશ્વિન કાનગડ નાસી ગયો હતો અને મંગળવારે પોલીસે તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો હતો.
દરમિયાન પોલીસના મારથી ઘવાયેલા રાજુભાઇ સોલંકીની બુધવારે સવારે તબિયત લથડતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમનું બુધવારે રાત્રે મોત નીપજ્યું હતું. રાજુભાઇના મૃત્યુના સમાચાર વાયુવેગે ફેલાઇ જતાં લોકોના ટોળાં હોસ્પિટલે ઊમટી પડ્યા હતા અને એએસઆઇ અશ્વિન કાનગડ સામે બેવડી હત્યાની કલમનો ઉમેરો કરવા, રાજુભાઇ તથા હમીરભાઇના પરિવારજનોને 25-25 લાખની સરકાર આર્થિક સહાય કરે અને બેવડી હત્યાની તપાસ આઇપીએસ સુધા પાંડેને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સંભાળવાનો ઇનકાર કરી દીધો હતો. ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે રોષે ભરાયેલા લોકોએ પોલીસનો હુરિયો બોલાવતા માહોલ તંગ થઇ ગયો હતો. જે બાદ ન્યાય અપાવવાની ખાતરી મળ્યા બાદ પરિજનો લાશ સ્વીકારવા સહમત થયાં હતા.
રાજુભાઈ સોલંકીનું મૃત્યુ થતાં તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, 15મીની રાત્રે હમીરભાઈ અને રાજુભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હમીરભાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યારે રાજુભાઈને સિવિલમાં રખાયા હતા. પોલીસે તબીબો પર દબાણ લાવી રાજુભાઈને ગંભીર ઈજા નહીં હોવાનું કહી પરાણે રજા અપાવી દીધી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી આગળની કાર્યવાહી હાથ ધરાશે : એસીપી રાધિકા ભારાઈ
કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, તા.15 ના બનાવમાં રાજુભાઈ સોલંકીના અટકાયતી પગલાં લેવાયા હતા અને બાદમાં તેમને જામીન પર છૂટ્યા બાદ તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાલુ સારવારમાં મોત નીપજતાં એસડીએમની રૂબરૂમાં પંચનામુ કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. વધુમાં પીએમ રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરવાની માંગ પરિવારે કરી છે.જે આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. જ્યારે કસ્ટોડિયલ ડેથ કેસની તપાસ એસીપી ચૌધરી કરી રહ્યા છે અને એએસઆઇ કાનગડ પણ રિમાન્ડ હેઠળ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
પિતાને માર નહિ મારવાની રજુઆત કરવા જતાં મને પણ કાનગડે ધોકા વડે ફટકાર્યો : મૃતકના પુત્રનો આક્ષેપ
મૃતક રાજુ સોલંકીના પુત્ર જય સોલંકીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા મારા પિતા રાજુભાઈ અને હમીર ઉર્ફે ગોપાલ રાઠોડને બેફામ માર મારવામાં આવ્યો હતો. જેના લીધે મારા પિતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે માટે અમારી એક જ માંગ છે કે એએસઆઈ અશ્વિન કાનગડને શખ્તમાં શખ્ત સજા થવી જોઈએ અને અમને બન્ને પરિવારોને ન્યાય મળવો જોઈએ. પોલીસ દ્વારા રાજુભાઈ સોલંકીને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે જેના નિશાન પણ શરીર ઉપર સ્પષ્ટ જોવા મળતા હતા અને આખરે સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. મૃતકના પુત્રે વધુ વિગત આપતાં જણાવ્યુ છે કે, મારા પિતા અને હમીરભાઈને પોલીસ સ્ટેશને લઇ ગયાં બાદ હું હોસ્પિટલની ફાઈલ લઈને માલવિયાનગર પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો અને પિતા બીમાર હોય માર નહિ મારવા રજુઆત કરી હતી. ત્યારે પોલીસે મને પણ આરોપી બનાવી અટકાયતમાં લીધો હતો. અશ્વિન કાનગડે મૃતકના પુત્રને પણ પ્લાસ્ટીકના પાઇપ વડે માર માર્યો હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.