અડધી સદી બાદ દેખાઈ ગુજરાતમાં દુર્લભ દરિયાઈ શેવાળ
એક રિસર્ચ દરમ્યાન લગભગ અડધી સદી પછી એક મહત્વની ભૂરી દરિયાઈ શેવાળ માંડવીના દરિયાકાંઠેથી ગત વર્ષે 2022માં આકસ્મિક રીતે મળી આવી હતી. ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને માંડવીના મરીન રિસર્ચર દ્વારા ગત વર્ષે માંડવી બીચ પરથી મળેલી શેવાળ પર સંશોધન કરવામાં આવ્યું હતું.
કચ્છના સંશોધકોએ ગુજરાતમાંથી અડધી સદી બાદ એક મહત્વની ભૂરી દરિયાઈ શેવાળ શોધી છે. જે ભવિષ્યમાં વૈજ્ઞાનિક સંશોધનો બાદ મહત્વપૂર્ણ સાબિત થશે. 50 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટર્બીનારિયા ઇન્ડિકા નામની એક સ્થાનિક દરિયાઈ ભૂરી શેવાળ દેખાયા બાદ હવે સંશોધકોએ કચ્છના દરિયાકાંઠેથી આ શેવાળ શોધી કાઢી છે.
ગત વર્ષે માંડવીના દરિયાકિનારે આ શેવાળ યશેશ શાહને મળ્યા બાદ તેમણે પોતાના પ્રોફેસર ડૉ. વૈભવ મંત્રી સાથે મળી તેના પર સંશોધન શરૂ કર્યું હતું. સંશોધન પૂરું થયા બાદ તેના પર રિસર્ચ પેપર તૈયાર કર્યું હતું. જે મુંબઈ સ્થિત બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીની પ્રખ્યાત જર્નલમાં પ્રકાશિત થયું છે.
તેમણે જણાવ્યુ હતું કે , ભારતમાં મુખ્યત્વે ટર્બીનારીયાની પાંચ પ્રજાતિઓ નોંધાયેલી છે. જેમાં ફક્ત આ જ એક એવી પ્રજાતિ છે કે, જેના ફૂલ આકારના પર્ણો અંતર્મુખી હોય છે. દરિયાઈ શેવાળ એ પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેથી તેની વ્યાપારી ધોરણે ખેતી કરવામાં આવે છે. જેમાંથી મુખ્યત્વે કુદરતી ખાતર, અગર અગર, આઈસ્ક્રીમ, ટૂથપેસ્ટ, જેલ્લી જેવી રોજિંદા પદાર્થોમાં ઘટ્ટતા લાવવા તેમજ વિવિધ દવાઓ બનાવવા માટે રાસાયણિક તત્વોના સ્ત્રોત તરીકે ઉપયોગ થાય છે.
પૃથ્વી પર કોઈ પણ નવી પ્રજાતિ એ કદાચ નવા રાસાયણિક તત્વનો સ્ત્રોત હોઈ શકે છે. આવી પ્રજાતિઓ પર વધુ સંશોધન થતા અનેક રોગો માટે વધુ કાર્યશીલ દવાઓમાં ઉપયોગી નીવડી શકે છે. કુદરતમાં તેનો મોટો જથ્થો મળી આવે તો તેના સાથે જોડાયેલી અન્ય જીવસૃષ્ટિ ને પણ સમજી શકાય છે, તે જ રીતે તેની ખેતીની તકનિકો વિકસાવી માનવજાત અને કુદરત બંનેને આર્થિક તેમજ પર્યાવરણીય લાભ ઉભા થઇ શકે છે.
ભૂરી શેવાળની પ્રજાતિઓએ તાજેતરના વર્ષોમાં ખાતર ઉત્પાદન ઉદ્યોગોમાં તેમના ઉપયોગને કારણે નોંધપાત્ર મહત્વ મેળવ્યું છે. આ શેવાળમાંથી બનાવેલ ખાતર જમીનને સમૃદ્ધ બનાવે છે, પાકની ઉપજ અને ટકાઉપણું વધારે છે. તો બીજી તરફ લાલ શેવાળ, ખાસ કરીને ગ્રેસીલેરિયા મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જે વિવિધ વ્યાપારી ઉત્પાદનોમાં જેલિંગ એજન્ટ તરીકે વપરાય છે.