મેલેરિયાના વધતાં જતાં કેસ સામે આરોગ્ય વિભાગમાં દોડધામ
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાએ માજા મૂકી છે. જેમાં બે દિવસ પહેલા દાદી – પૌત્રના મેલેરિયાથી મોત નીપજ્યા બાદ ગઇ કાલે ફરી તાવ એક માસુમ બાળકને ભરખી જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં સિઝનલ ફ્લૂના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં બે દિવસ પહેલા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં માત્ર 12 કલાકમાં જ એક જ પરિવારના દાદી અને પૌત્રને મેલેરિયા ભરખી ગયો હતો. તો ગઇ કાલે ફરી એકવાર તાવના કારણે કોઠારીયા સોલવન્ટ શિતડાધાર પાસે રહેતા સર્વજીત ચૌહાણના દોઢ વર્ષના માસૂમ પુત્ર પિયુષનું તાવના કારણે મોત નિપજ્યું હતું.
પિયુષને બે દિવસથી તાવ આવતો હોય જેની તબિયત વધુ લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.રાજકોટમાં બે દિવસમાં તાવ બે બાળક સહિત ત્રણ લોકોને ભરખી જતાં આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઇ છે. આરોગ્ય વિભાગની ટીમે જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ હાથધરી શંકાસ્પદ જણાતા લોકોના લોહીના નમૂનાઓ મેળવી આગળની તપાસ હાથધરી છે.