ગાંધી-ઇરવીન કરારથી ગુજરાત સહિત દેશભરમાં મીઠા ઉદ્યોગનો માર્ગ મોકળો થયો
ભારતમાં દર વર્ષે 135 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે, એમાંથી 97.20 લાખ મેટ્રિક ટન મીઠું માત્ર ગુજરાતમાં પાકે છે વર્ષ 1930-31માં નમક સત્યાગ્રહ પછી લોર્ડ ઇરવીને ગાંધીજીને વાટાઘાટ માટે બોલાવ્યા ત્યારે લોર્ડ ઇરવીને બ્રિટિશ શિરસ્તા પ્રમાણે ગાંધીજીને ચા આપી ત્યારે ગાંધીજીએ ચમચીથી ખાંડ લેવાને બદલે પોતાના પાસે રાખેલી એક પડીકી કાઢી સફેદ ભૂકી કપમાં નાખી. આથી લોર્ડ ઇરવીને આશ્ચર્ય વચ્ચે પૂછ્યું કે શું નાખ્યું? ત્યારે એક વિચિત્ર સ્મિત સાથે ગાંધીજીએ જવાબ આપ્યો ’મીઠું’. ઇરવીન સમજી ગયા કે, ગાંધી આજે મીઠા માટે આવ્યા છે. એ સમયે ગાંધી-ઇરવીન કરાર થયો.
10 એકર સુધીની જમીન પર વગર લાઇસન્સે સરકારની પરવાનગી વિના મીઠું ઉત્પન્ન કરવાનો અને વેચવાનો દરેકનો અધિકાર આપતા એ કરાર પછી પાટડીના 25 નાગરિકે ઝીંઝુવાડામાં જમીન મેળવી મીઠું ઉત્પાદન કરવાનો પ્રારંભ કર્યો હતો. આજે આઝાદીનાં 75 વર્ષે ભારતમાં દર વર્ષે 135 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે, એમાંથી 97.20 લાખ મેટ્રિક ટન મીઠું એક માત્ર ગુજરાતમાં પાકે છે.
અંગ્રેજ શાસનમાં ગેરકાયદે મીઠું પકવવું, વેચવું, રાખવું, હેરાફેરી કરવી ગુનો બનતો હતો. 1873માં ગુજરાતમાં ખારાઘોડા ખાતે બ્રિટીશ સરકારે પોતે મીઠું પકવવાનું શરૂ કર્યું ત્યારે એ જમાનામાં ગેરકાયદે મીઠું પકવવું, વેચવું કે રાખવું કે હેરાફેરી કરવી ગુનો બનતો હતો. આજે સોના, ચાંદી અને માદક પદાર્થોની દાણચોરી અટકાવવા માટે સરહદી ચોકીઓ છે. તેવી સરહદી ચોકીઓ એટલે કે, મીઠાની લાઇનદોરી છેક કરાચીથી ધોલેરા અને ઘોધા સુધી હતી. જેથી કરીને મીઠાની ગેરકાયદે હેરાફેરી અટકાવી શકાય.