ગઈકાલનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ હતો. એક તરફ ભારતે 4 વર્ષ બાદ ફરી એકવાર ચંદ્ર પર છલાંગ લગાવી છે તો બીજી તરફ પીએમ મોદીને પેરિસમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
પીએમ મોદી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રગીત સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના 2 દિવસના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે યુએઇ પહોંચી ગયા છે. અહીં અબુ ધાબીમાં તેમણે યુએઇના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ જાયદ નાહયાને તેમનું સ્વાગત કર્યું હતુ. યુએઇમાં તેમના સ્વાગત માટે ખૂબ જ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી.
દુબઇમાં બનેલી વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા અને દુબઈની ફ્રેમ પર ત્રિરંગા અને પીએમ મોદીની તસવીર સાથે ‘વેલકમ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી’ લખવામાં આવ્યું હતું. જે એક ઐતિહાસિક ક્ષણ હતી.
સોશિયલ મીડિયા પર બુર્જ ખલીફાના આ ફોટા અને વીડિયો વાયરલ થઈ રહી છે. ઘણા ટ્વિટર યુઝર્સ પણ આ પગલા માટે યુએઇનો આભાર માની રહ્યા છે. મહત્વનું છેકે, વડાપ્રધાન બન્યા બાદ મોદીની યુએઈની આ 5મી મુલાકાત છે. 2019 માં, પીએમ મોદીને યુએઇ દ્વારા તેના સર્વોચ્ચ સન્માન ’ઓર્ડર ઓફ ઝાયેદ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફ્રાન્સમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લિજન ઑફ ઓનર’ એનાયત કરવામાં આવ્યો છે. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ વડાપ્રધાન બન્યા છે. આ સન્માન વિશ્વભરમાંથી માત્ર અમુક પસંદગીની વ્યક્તિઓને જ આપવામાં આવ્યું છે. આ પહેલા ફ્રાંસ પહોંચતા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાંસ પહોંચતા પીએમ એલિઝાબેથ બોર્ને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું અને બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા. ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર એલિસી પેલેસમાં તેમના સન્માનમાં ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાં પીએમ મોદીની યજમાની કરી હતી.
વડાપ્રધાન મોદી તેમના કાર્યકાળમાં અનેક દેશોનો પ્રવાસ ખેડી ચુક્યા છે. આ બધા દેશો સાથેના સંબંધો અત્યારે વ્યાપાર ક્ષેત્રે કામ આવી રહ્યા છે. બીજી તરફ સંકટ સમયે પણ આ દેશો કામ આવી રહ્યા છે. આ ઉપરાંત બધા દેશોમાં મોદી ભારતીય સમુદાયો સાથે પણ ખાસ વાર્તાલાપ કરે છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો પણ ગૌરવની લાગણી અનુભવે છે.