ગત વર્ષે ૪૮ ટકા ઈનડાયરેકટ અને ૫૨ ટકા ડાયરેકટ ટેકસ જમા થયો
કાળા નાણાને બહાર લાવવા માટે સરકાર દ્વારા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રાતો-રાત બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ આમ છતાં પરિસ્થિતિ સુધરી ન હોવાનું સામે આવ્યું છે. આવકવેરા વિભાગે કહ્યું કે, નોટબંધી બાદ કરચોરી કરનાર સામે ૮૦ હજાર કેસો નોંધવામાં આવ્યા છે. જેની તપાસ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે.
ટેકસમેન દ્વારા મેસેજ તેમજ નોટિસ મેળવ્યા છતાં પણ લોકો ટેકસ અંગેની તકેદારી રાખતા નથી. સેન્ટ્રલ બોર્ડ ડાયરેકટેકસીસ દ્વારા દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રેડ ફેરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. છતાં તેને યોગ્ય પ્રતિક્રિયા ન મળતા મામલો ત્યાંને ત્યાં અટકયો હોવાનું માલુમ પડે છે.
સેન્ટ્રલ ડાયરેકટેકસના ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષોમાં આશરે ૮૦ લાખ લોકોએ રિટર્ન ફાઈલ કર્યા નથી. ગત વર્ષે ૫૨ ટકા લોકોએ ટેકસ ભર્યો હતો. ત્યારે ૪૮ ટકા ઈન્ડાયરેકટ ટેકસ જમા થયો હતો. સીબીડીટીના ચીફે જણાવ્યું હતું કે, તેઓ મોટી સંખ્યામાં એસએમએસ તેમજ ઈ-મેઈલ મારફતે ટેકસ ન ભરનારા લોકોને નોટિસ પાઠવી રહ્યાં છે.
નોટબંધી બાદ ટેકસ ન ભરનારા ત્રણ લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ તેમાના ૨.૨૫ લાખ લોકોએ કર ચૂકવણી કરી હતી અને ૮૦ હજાર લોકોએ નોટિસ બાદ પણ કરની ચુકવણી ન કરતા તેમના વિરુધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
નોટબંધી બાદના બિન ચૂકવણી થયેલ કર ઉપરાંત ટેકસ ડિપાર્ટમેન્ટ સમયસર રિટર્ન ન ભરનારાને દંડવાની તૈયારીમાં છે.