કોરોનાની મહામારીએ ગુજરાત રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. અભય ભારદ્વાજના નિધનથી માત્ર રાજકોટ શહેરે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતે એક પ્રતિષ્ઠિત વકીલની સાથોસાથ એક ઉતમ સમાજસેવક પણ ગુમાવ્યા છે. આજરોજ રાજકોટના મોટા મૌવા સ્મશાન ખાતે અભયભાઈ ભરદ્વાજનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. આ ઘડીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી.
આ દરમિયાન અભયભાઈ ભારદ્વાજ સાથેના સંસ્મરણો વાગોળતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અભય ભારદ્વાજ તેમના પરમમિત્ર હતા. તેમના આ દુઃખદ અવસાનથી ગુજરાતને મોટી ખોટ પડી છે. મદ્રાસમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ થતી વેળાએ તેમને પરિવારના સભ્યોને ચિઠ્ઠી લખેલી અને તેમાં કહ્યું હતું કે તેઓ કોરોનાને મ્હાત આપશે, તેની સામે લડશે. કોરોના સામે તેમની 90 દિવસ સારવાર ચાલેલી. પણ કમનસીબે લડત પુરી કરી શક્યા નહી.
CM વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યસભામાં તાજેતરમાં સાંસદ તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા નિમાયા હતા. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં એડવોકેટ તરીકે નામના ધરાવે છે તેઓએ તેમના કેરિયરની શરૂઆત જનસત્તામાંથી એક પત્રકાર તરીકે કરી હતી. જનતાપાર્ટી યુવા મોરચામાં રાષ્ટ્રિય સ્તરે કલરાજ મિશ્રા સાથે તેઓએ કામ કરેલું. રાજકોટના જાહેરજીવનમાં તેઓ ખૂબ સક્રીય હતા. જો તેઓ આજે પણ જીવિત હોત તો દેશના રાજકારણમાં અને રાષ્ટ્રના વિકાસ તેમજ પ્રશ્નોમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રીતે કામ આવેત.
સીએમે અભયભાઈ ભારદ્વાજની લોકો સાથેની લાગણી અને તેમની ભાવના વિશે વાત કરતા જણાવ્યું કે અભયભાઈ રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારે તેઓએ કહયું હતું કે મારી ગ્રાન્ટ હું આદિવાસીઓના વિકાસ અને તેમના પ્રશ્નોને વાચા આપવામાં જ વાપરીશ.