- વોકલ ફોર લોકલ અને મેકઈન ઈન્ડીયાને વેગ મળશે
- ટેન્ડર વિના ખરીદી માટે મર્યાદાઓ નકકી કરાય: 2022/23માં રાજય સરકાર દ્વારા 1.47 લાખ કરોડની કરાય હતી ખરીદી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગવાન બનાવવા ‘ગુજરાત ખરીદ નીતિ-2024’ જાહેર કરી છે. આ નીતિ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરશે.
આ નવી પોલિસી રાજ્યના તમામ સરકારી વિભાગો, એચઓડીએસ જિલ્લા કચેરીઓ, સત્તાવાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓ/બોર્ડ્સ/નિગમો/સોસાયટીઓ દ્વારા વસ્તુ અને સેવાઓના પ્રોક્યુરમેન્ટને આવરી લેશે.
હાલ રાજ્યમાં ગુજરાત રાજ્ય ખરીદ નીતિ-2016 અમલમાં છે. તેની સફળતા બાદ આ નવી પોલિસી રાજ્યના સૂક્ષ્મ અને નાના એકમો પાસેથી પ્રોક્યોરમેન્ટને પ્રોત્સાહન પૂરું પાડવામાં વધુ ઉપયુક્ત સાબિત થશે.
નવી ખરીદ નીતિ સૂક્ષ્મ, કુટિર, નાના સાહસો, ખાસ કરીને એસસી/એસટી અને મહિલા ઉદ્યોગસાહસિકોની માલિકીની ખરીદીને પ્રોત્સાહિત કરશે. નવી પ્રોક્યુરમેન્ટ પોલિસી ગુજરાતના સ્ટાર્ટઅપ્સમાંથી પણ પ્રોક્યુરમેન્ટને સમર્થન આપશે.
નવી પોલિસીમાં સ્થાનિક સપ્લાયર્સના ફાયદાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પોલિસી અંતર્ગત પાત્ર સપ્લાયરોને ટેન્ડર ફી અને અર્નેસ્ટ મની ડિપોઝિટ માંથી મુક્તિ આપવામાં આવશે.
આ પોલિસી હેઠળ ટેન્ડર વિના ખરીદી માટે રાજ્ય સરકારે જુદી જુદી મર્યાદાઓ નક્કી કરી છે, જેમાં સરકારી સંસ્થાઓ પાસેથી ટેન્ડર વિના રૂ. 15 લાખ સુધીની ખરીદી, સરકારી માલિકીની સંસ્થાઓ અથવા જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) પાસેથી રૂ. 15 લાખ સુધી ટેન્ડર વિના ખરીદી, સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી રૂ. 5 લાખ સુધીની ટેન્ડર વિના ખરીદી તેમજ સ્ટાર્ટઅપ્સ પાસેથી રૂ. 15 લાખ સુધી ટેન્ડર વિના ખરીદી કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વધુમાં, સ્ટાર્ટઅપ્સને ન્યૂનતમ પૂર્વ અનુભવ અને ન્યૂનતમ ટર્નઓવર જરૂરિયાતોના માપદંડમાંથી મુક્તિ આપવામાં આવી છે.
નવી ખરીદ નીતિ-2024 ભારત અને ગુજરાતમાં ઉચ્ચ મૂલ્યવર્ધન સાથે સપ્લાયર્સ પાસેથી માલ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને પ્રાથમિકતા આપે છે. આ નીતિ અંતર્ગત જે વસ્તુઓની પ્રોક્યુરમેન્ટની અંદાજિત કિંમત રૂ. 200 કરોડથી વધુ હોય એવા કિસ્સામાં જ ગ્લોબલ ટેન્ડર ઇન્ક્વાયરી બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત રૂ. 1 લાખ થી વધુની વસ્તુઓ અને સેવાઓની તમામ પ્રોક્યુરમેન્ટ, જેમ પોર્ટલ દ્વારા પ્રાપ્તિ સહિત, માત્ર ઇ-ટેન્ડર દ્વારા કરવામાં આવશે.
બીઆઈએસ સ્પષ્ટીકરણો ઉપલબ્ધ છે તેવી વસ્તુઓના પ્રોક્યુરમેન્ટ માટે આ નવી નીતિમાં બીઆઈએસ પ્રોડક્ટ સ્પેસિફિકેશનને અપનાવવાનું ફરજિયાત કરાયું છે. નવી પ્રોક્યુરમેન્ટ પોલિસી દ્વારા, રાજ્ય સરકાર ગવર્નમેન્ટ-ઈ-માર્કેટપ્લેસ (જેમ) પોર્ટલ દ્વારા તમામ વસ્તુઓ અને સેવાઓની ખરીદીને પ્રોત્સાહન આપે છે.
ઉલ્લેખનીય છે કે, વિવિધ સંસ્થાઓ, ઉત્પાદન એકમો, વિવિધ સંગઠનો, બોર્ડ/કોર્પોરેશન, સરકારી વિભાગો/વિભાગોના વડાઓ દ્વારા પરચેઝ પોલિસીમાં થોડાં ઘણાં ફેરફારો માટે સૂચનો પ્રાપ્ત થયા હતા. આથી, ગુજરાત સરકારે તેની પરચેઝ પોલિસી 2016માં મેક ઇન ઈન્ડિયા પહેલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને અને હિતધારકોના તમામ સંબંધિત સૂચનોને સંબોધિત કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 2022-23માં રૂ. 1.47 લાખ કરોડથી વધુના મૂલ્યની વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી હતી.