અમરેલીમાં આયોજિત સહકાર પરિસંવાદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રિય કૃષિમંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, પૂરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા સહિતના નેતાઓની ઉપસ્થિતિ: પ્રત્યેક ચોથો ગુજરાતી સહકારી સભાસદ છે, ખેડૂતો અને ગરીબો માટે સહકાર ક્ષેત્ર આશિર્વાદરૂપ છે: વિજયભાઈ રૂપાણી
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના કૃષિકારોને ધરપત આપતી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે,માવઠાથી પલળેલી ભેજવાળી મગફળીની સુકવણી કર્યા બાદ આવી મગફળીની રાજયસરકાર ટેકાના ભાવે ખરીદી કરશે અને મગફળીના છેલ્લામાં છેલ્લા દાણાની પણ ખરીદી રાજયસરકાર કરી લેશે. વિજયભાઇ રૂપાણીએ રાજયભરમાં ચાલી રહેલી સહકારી પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરતાં જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્ર ખેડૂતો અને ગરીબો માટે આશીર્વાદરૂપ છે. આ સંદર્ભમાં તેમણે રાજયના વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલ વિવિધ સહકારી પ્રવૃત્તિઓનો ગૌરવસહ ઉલ્લેખ કર્યો હતો.
રાજયના ૧૮ જિલ્લાઓમાં કાર્યરત સહકારી બેંકોના સભાસદોમાં ૪૦ ટકાના વધારાથી થયેલા કુલ ૧.૫૩ કરોડ સહકારી સભાસદોની સરાહના કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહયું હતું કે, પ્રત્યેક ચોથો ગુજરાતી સહકારી સભાસદ છે. અને સહકાર ક્ષેત્રની પ્રવૃત્તિઓથી ગુજરાત ઉજળું બન્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે મહાત્મા ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિધ્ધાંતોને સહકાર ક્ષેત્રના સંકલનથી જ સાકાર સ્વરૂપ આપી શકાશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમરેલી જિલ્લામાં થઇ રહેલી સહકારી કામગીરી અંગે સંતોષ વ્યકત કર્યો હતો, અને આઝાદી તથા પૌરાણીક સમયમાં થયેલી સહકારી પ્રવૃત્તિઓ તેમના વકતવ્યમાં સાંકળી લીધી હતી.
રાજયમાં સહકારી ચળવળને વેગ આપવા અંગે રાજયસરકારની પ્રોત્સાહક નીતિઓ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રકાશ પાડયો હતો. અને આ ક્ષેત્રમાં રાજયસરકારે અમલી બનાવેલી વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓ અંગે ટૂંકી જાણકારી આપી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના ખેડૂતોને અભયવચન આપતાં જણાવ્યું હતું કે ખેડૂતોને પાકવીમાનું યોગ્ય વળતર ચૂકવવામાં આવશે, તથા તમામ કૃષિ જણસોની ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવશે. રાજયસરકાર દ્વારા માવઠામાં થયેલા નુકસાન અંગે જાહેર કરાયેલા પેકેજને તેમણે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ ગણાવ્યું હતું. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોને રૂ. ૬ હજાર સત્વરે ચુકવવાની કાર્યવાહી કરવાની ખાત્રી પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉચ્ચારી હતી. અને સહકાર ક્ષેત્રની વિશેષ પ્રગતિની કામના કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ઉપસ્થિતોના હસ્તે દિપપ્રાગટયથી શુભારંભ થયો હતો. ટી.પી. ગાંધી સ્કુલની બાળાઓએ મનુષ્ય તુ બડા મહાન હૈની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સુતરની આંટી, શાલ, પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્નથી આયોજક સંસ્થા અને જિલ્લાના શ્રેષ્ઠછઓએ સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડીલ વંદના કાર્યક્રમ અન્વયે જિલ્લાના સહકારી ક્ષેત્રના વિવિધ આગેવાનો તથા હાલમાં વિવિધ સહકારી સંસ્થાઓમાં કાર્યરત અધિકારીઓનું અને કર્મચારીઓનું શાલ તથા સન્માનપત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું.
કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોતમભાઇ રૂપાલાએ રાષ્ટ્રીય સહકાર સપ્તાહ સંમેલનના આયોજકોને સુંદર આયોજન બદલ અભિનંદન વ્યકત કરી જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિએ સહકાર સંમેલનનું આયોજનએ ગાંધીજીને ખરા અર્થે શ્રધ્ધાંજલિ છે. ગાંધીજી સ્થાનિક સ્વાવલંબન માટે ચરખાને માધ્યમ બનાવ્યું હતું. તેમ સહકારક્ષેત્ર પણ સથાનિક ખેડૂતો- પશુપાલકો તે સ્વાવલંબન બનાવે છે.
ભારત સરકાર દ્વારા ખેડૂતોને રૂા. ૧૪ લાખ કરોડ ક્રેડિટ- સહાય અપાઇ રહી છે. રાજકોટ અને અમરેલીમાં ઝીરો ટકા વ્યાજથી ખેડૂતોને લોન અપાઇ રહી છે. જે ખેડૂતો માટે લાભકાર છે. ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ હોય તેમને ભારત સરકારની ક્રેડિટનો લાભ મળે છે.
સહકારી ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના વાઇસ ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ સ્વાગત પ્રવચનમાં આજના પરિસંવાદની ભૂમિકા રજૂ કરી હતી. ઇફકોના મેનેજીંગ ડીરેકટર ડો. યુ.એસ.અવસ્થી અને નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડો. ચંદ્રપાલસિંહ યાદવે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય સહકાર સપ્તાહ સમાપન અન્વયે અમરેલીની અમર ડેરીના પ્રાંગણમાં સહકારિતા અને ગાંધી વિચાર વિષયક સહકાર પરિસંવાદનું આયોજન કરાયું હતું, જેમાં અમરેલી જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ સામેલ થઇ હતી. કાર્યક્રમ સ્થળે ખેતપેદાશો અને કૃષિલક્ષી બાબતો અંગે માર્ગદર્શન આપતા વિવિધ સ્ટોલ્સનું પ્રદર્શન યોજાયું હતું, જેનો ઉપસ્થિત નાગરિકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠામંત્રી જયેશભાઇ રાદડિયા, જિલ્લા પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણભાઇ કાછડિયા, પૂર્વમંત્રી વી.બી.વઘાસિયા, જિલ્લા ભા.જ.પ. અધ્યક્ષ હીરેનભાઇ હીરપરા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, સહકારી ક્ષેત્રના રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજો, ડો. બ્રિજેન્દ્રસિંહ, ડો. સુનીલકુમાર તથા મોટી સંખ્યામાં અમરેલી જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહયા હતા.
વિજયભાઈએ પ્રોટોેકોલને સાઈડમાં મુકી સ્ટેજ પરથી ઉતરી ૯૫ વર્ષનાં અગ્રણીનું સન્માન કર્યું
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમરેલી ખાતે યોજાયેલા સહકાર પરિસંવાદ દરમ્યાન સાવ સાહજિક રીતે પોતાના સ્વાભાવની ઋજુતાનો ઉપસ્થિતોને પરિચય કરાવ્યો હતો. મુખ્યમંત્રીને જેવી ખબર પડી કે ૯૫ સાલની ઉંમરના વયોવૃધ્ધ સહકારી શ્રેષ્ઠી અમુલખભાઇ જાની તેમની શારીરિક મર્યાદાઓને લીધે વ્હીલચેર પરથી ઉતરી શકે એમ નથી, ત્યારે વિજયભાઇએ મુખ્યમંત્રીપદ સાથે જોડાયેલા તમામ પ્રોટોકોલને કોરાણે મુકી દીધો હતો. અને મુખ્યમંત્રીપદનો ભાર રાખ્યા વગર સ્ટેજ પરથી ઉતરી અમુલખભાઇનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સ્વભાવની આ સરળતા પર ઉપસ્થિત સૌ કોઇ ઓવારી ગયા હતા અને મુખ્યમંત્રીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.