શૌચાલય મુદ્દે કોળી અને દરબાર જુથ સામ-સામે આવી જતા તંગદિલી: ૧ ગંભીર, ૭ને ઈજા: અગાઉ નોટબંધી સમયે લાઈનમાં ઉભા રહેવા અને પવનચકકી પૂલે ચાલતા ડખ્ખાએ ઉગ્ર‚પ લીધું: જિલ્લાભરનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે: ચુસ્ત બંદોબસ્ત
હળવદ તાલુકાના માથક ગામે શૌચાલય બનાવવાની બાબતે તેમજ અગાઉના મનદુ:ખના કારણે સવારના કોળી અને દરબારો હથિયારો સાથે આમને સામને આવી ગયા હતા. આ ધીંગાણામાં પાંચ કોળી જુથના અને બે દરબાર જુથના લોકો ઈજાગ્રસ્ત બન્યા છે સાથે જ કોળી જુથના એક વ્યકિતની હાલત નાજુક હોવાથી તેને સારવાર માટે રાજકોટ રીફર કર્યાનું જાણવા મળ્યું છે. બન્ને જુથના ધીંગાણાના પગલે માથક ગામમાં તંગદિલી ફેલાઈ જવા પામી છે સાથે જ જીલ્લા પોલીસ વડા સહિતનાઓ માથક ગામે દોડી આવ્યા છે. પરિસ્થિતિ ગંભીર જણાતા મોરબી ઉપરાંત જીલ્લા બહારથી પોલીસ બોલાવી લેવામાં આવી છે. તેમ છતા ગામમાં ભારેલી અગ્નિ જોવા મળી રહી છે.
બનાવની પ્રાપ્ત વિગત પ્રમાણે હળવદ તાલુકાના માથક ગામમાં સરપંચ દ્વારા ગામમાં શૌચાલય બનાવવા સર્વ કરી રહ્યા હતા ત્યારે ગામના જ પૃથ્વીસિંહ દ્વારા સરપંચને ફોન કરી આ જગ્યા અમારી છે તેમ જણાવેલ ત્યારે સરપંચ દ્વારા કહેવામાં આવેલ કે તમારી જ જગ્યા હોય તો આધાર આપો. જેથી આ બાબતે બન્ને વચ્ચે સોમવારે બોલાચાલી થતા સરપંચ દ્વારા આ અંગેની અરજી પોલીસ મથકે આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલે ગામમાં આવેલ પૃથ્વીસિંહની વાડી ખાતે કોળી જુથના શખ્સો ઘસી જતા બંને વચ્ચે હથિયારો વડે ધીંગાણુ ખેલાયું હતું.
જેમાં કોળી જુથના જીતેન્દ્રભાઈ જાહાભાઈ, રોહિતભાઈ વાઘજીભાઈ, મહેશભાઈ વાઘજીભાઈ, પિન્ટુભાઈ અશોકભાઈ, મયુરભાઈ અશોકભાઈ સહિત પાંચ વ્યકિત ઘવાયા હતા જેવોને તાત્કાલિક મોરબી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયા જીતેન્દ્રભાઈની હાલત વધુ ગંભીર જણાતા તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જયારે સામા દરબાર જુથમાં પૃથ્વીસિંહ અને તેમના ભાઈ જયુસિંહને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને પણ સારવાર માટે મોરબી ખાતે ખસેડવામાં આવ્યા છે. માથક ગામે થયેલા ધીંગાણાના પગલે જીલ્લા પોલીસ વડા, જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી કે.બી.ઝાલા, એલસીબી, પીઆઈ ભરતસિંહ પરમાર, એસઓજી, એસઆરપી સહિત જીલ્લા બહારથી પોલીસ મંગાવી ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે માથક ગામમાં પોલીસની કિલ્લેબંધી કરી નાખવામાં આવી છે. સાથે જ કોળી જુથ અને દરબાર જુથે હળવદ પોલીસ મથકમાં સામ-સામી ફરિયાદ નોંધાવી છે.
ઝઘડાનું મુખ્ય કારણ નોટબંધી અને પવનચકકી ?
હળવદ તાલુકાના માથક ગામે થયેલા ધીંગાણાનું મુખ્ય કારણ નોટબંધી અને ગામમાં નાખવામાં આવતી પવન ચકકી હોવાનું લોકોમાં ચર્ચાઈ છે. નોટબંધી થયા બાદ ગામમાં આવેલ બેંકમાં લાઈનમાં ઉભા રહેવાની બાબતે પણ અગાઉ બન્ને વચ્ચે મનદુ:ખ થયું હતું. તેમજ ગામમાં નાખવામાં આવતી પવનચકકીની બાબતે પણ મનદુ:ખ થયાનું લોકો પાસેથી જાણવા મળે છે ત્યારે શૌચાલય માત્ર બાનું જ હોય અને નોટબંધી અને પવન ચકકી ઝઘડાનું મુખ્ય કારણ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે