ખંઢેરીમાં 17 થી 20 જાન્યુઆરી દરમિયાન જામશે રણજી ટ્રોફી જંગ
રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમનું પ્રદર્શન વર્તમાન સિરીઝમાં પણ સર્વશ્રેષ્ઠ રહેવા પામ્યું છે. પાંચ મેચમાંથી સતત ત્રણ મેચ જીત્યા બાદ હાલ પોઇન્ટ ટેબલ પર ટોચના ક્રમે રહેલી સૌરાષ્ટ્રની ટીમ આગામી 17 થી 20 જાન્યુઆરી દરમિયાન ઘર આંગણે આંધ્ર પ્રદેશ સામે ટકરાશે.
રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં સૌરાષ્ટ્ર કુલ પાંચ મેચ રમી છે. જેમાં ત્રણ પૈકી બે મેચ બોનસ પોઇન્ટ સાથે જીતી છે. જ્યારે એક મેચમાં 6 પોઇન્ટ મળ્યા છે. બે મેચ ડ્રોમાં પરિણમી હતી છતાં પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રને ત્રણ-ત્રણ પોઇન્ટ મળ્યા હતા. હાલ પાંચ મેચમાં સૌરાષ્ટ્રને કુલ 26 પોઇન્ટ મળ્યા છે અને પોઇન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને છે. હૈદરાબાદ સામેની મેચ માત્ર બે દિવસમાં જ સમેટાઇ ગઇ હતી. હૈદરાબાદની ટીમ પ્રથમ દાવમાં માત્ર 79 રનમાં સમેટાય ગઇ હતી. જેની સામે સૌરાષ્ટ્રે હાર્વિક દેસાઇ, ચિરાગ જાની અને શેલ્ડન જેક્શનની આકર્ષક અડધી સદીની મદદથી 327 રન બનાવ્યા હતાં.
બીજા દાવમાં પણ હૈદરાબાદના બેટ્સમેનો ઘુંટણીયે પડી જતા માત્ર 191 રનમાં ઓલ આઉટ થઇ જતા સૌરાષ્ટ્રની ટીમનો એક ઇનીંગ અને 57 રને શાનદાર વિજય થયો હતો. મેચમાં 7 વિકેટો અને 40 રન બનાવનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને મેન ઓફ ધી મેચ જાહેર કરાયા હતાં. સૌરાષ્ટ્રની ટીમ હવે આગામી 17 થી 20 જાન્યુઆરી દરમિયાન ઘર આંગણે અર્થાત ખંઢેરી ખાતે આંધ્ર પ્રદેશની ટીમ સામે ટકરાશે.