પ્રમુખપદના ટેકેદારને રિવોલ્વર બતાવી ધમકી દીધાની બે એડવોકેટ સામે ફરિયાદ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટે પોલીસ કમિશનરને પાઠવ્યું આવેદન
ઈશ્વરીયા મહાદેવ મંદિર ખાતે યોજાયેલી બ્રહ્મ સમાજની ચુંટણી દરમિયાન પ્રમુખપદના ઉમેદવારોના ટેકેદાર પર થયેલો ખુની હુમલા અંગે ગાંધીગ્રામ પોલીસમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાતા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપી ખુની હુમલાનો બનાવ ખોટો અને પાયાવિહોણો હોવાનું ગણાવી આવી કોઈ ઘટના ન બન્યાનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
જામનગર રોડ પરના ગાયત્રીધામમાં રહેતા કૃણાલ નિરંજનભાઈ દવે (ઉ.વ.૨૮) એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એડવોકેટ કે.સી.વ્યાસ, તેના ભાઈ પી.સી.વ્યાસ, સની જાની, કલ્પેશ વ્યાસ, નિશાંત અને પાંચ જેટલા અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. કૃણાલ દવેએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ઉમેદવાર પંકજભાઈ રાવલના ટેકેદાર કૃણાલ દવે સાથે માથાકુટ શરૂ કરી તેને મારકુટ કરી હતી અને આરોપી પૈકી એક કૃણાલ દવેના લમણે રિવોલ્વર તાકી મારી નાખવાની ધમકી આપી હતી.કૃણાલ પર હુમલો થતા પંકજભાઈ અને તેમના ભાઈ મયુરભાઈ રાવલ સહિતના દોડી ગયા હતા.
મયુરભાઈ રાવલે પોલીસ કંટ્રોલ ‚મને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસને જોતા જ હુમલાખોરો નાસી ગયા હતા. પોલીસે કૃણાલ દવેની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. મયુરભાઈ રાવલે આક્ષેપ કર્યો હતો કે, ચુંટણીમાં પંકજભાઈ રાવલની જીત નિશ્ચીત લાગતા હરીફ જુથ તરફના એડવોકેટ બંધુ સહિતનાઓએ માથાકુટ કરી કાયદો હાથમાં લીધો હતો. ધમાલ બાદ હુમલાખોર જુથના લોકોએ ચુંટણી જીત્યાનો દાવો કર્યો હતો તો મયુરભાઈ રાવલે કહ્યું હતું કે, ધમાલ થતા મોરબી અને બોટાદથી આવેલા ચુંટણી નિરીક્ષકોએ ચુંટણી સ્થગિત કરી દીધી હોવાનું જણાવ્યું છે.
સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટની ચુંટણી પ્રક્રિયા સાંજે ૫:૩૦ કલાકે પૂર્ણ થઈ હતી. ચુંટણી દરમિયાન ૧૩ તાલુકા મથકના પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપસ્થિત હતા ત્યારે ભારતભાઈ જાનીને ૧૫૧ મત અને પંકજભાઈ રાવલને ૧૨૮ મત મળ્યા હતા. સમાજના આગેવાનોએ ભારતભાઈ જાનીનું ફુલહાર કરી ફટાકડા ફોડી જીતને વધાવ્યા બાદ તમામ અગ્રણીઓ પોત પોતાના ઘરે જતા રહ્યા હોવાથી ફરિયાદ મુજબની ઘટના ન બન્યાનો આવેદનપત્રમાં જણાવ્યું છે.