હવે અવકાશમાં મોકલેલ યાનને પરત લાવી શકાઉ છે. ઇસરોએ આ મામલે મોટી સફળતા મેળવી છે. ઈસરોએ ચંદ્રનું ચક્કર લગાવી રહેલા પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પરત બોલાવી લીધું છે. ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થયા બાદ ઇસરોએ ફરી એક વખત બધાને ચોંકાવી દીધી છે. આ વખતે ઈસરોએ ચંદ્રનું ચક્કર લગાવી રહેલા પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પરત બોલાવી લીધા છે. ઈસરોએ આ પ્રયોગ કરીને સાબિત કરી દીધું છે કે, તે પોતાના યાનને પરત બોલાવી શકે છે.
ઈસરોએ પ્રયોગથી સાબિત કરી દીધું કે, હવે અવકાશમાં મોકલેલ યાનને પરત લાવી શકાય છે
ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર એટલે કે એક્સ પર એક પોસ્ટ કરતા કહ્યું કે, ચંદ્રયાન-3 મિશન: સીએચ-3નું પ્રોપલ્શન મોડ્યુલ એક સફળ ચક્કર લગાવે છે! એક અન્ય અનોખા પ્રયોગમાં પ્રોપલ્શન મોડ્યૂલને ચંદ્ર કક્ષાથી પૃથ્વીની કક્ષામાં લાવવામાં આવ્યુ છે. ચંદ્રયાન-3 મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણી ધ્રુવીય પ્રદેશની નજીક સોફ્ટ લેન્ડિંગ કરીને વિક્રમ અને પ્રજ્ઞાન પર ઉપકરણોનો ઉપયોગ કરીને પ્રયોગો કરવાનો હતો. અંતરિક્ષ યાનને 14 જુલાઈ 2023 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
લેન્ડર વિક્રમે 23 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર ઐતિહાસિક લેન્ડિંગ કર્યું હતું અને ત્યારબાદ પ્રજ્ઞાનને લેન્ડ કરવામાં આવ્યું હતું. ઈસરોએ એક નિવેદનમાં જણાવ્યું કે, ચંદ્રયાન-3 મિશનના ઉદ્દેશ્યો સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરી લીધા છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે, પ્રોપલ્શન મોડ્યુલનો પ્રમુખ ઉદ્દેશ્ય જિયોસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ લેન્ડર મોડ્યૂલને ચંદ્રની અંતિમ ધ્રુવીય ગોળાકારકક્ષા સુધી પહોંચાડવાનો અને લેન્ડરને અલગ કરવાનો હતો. સ્પેસ એજન્સીએ કહ્યું કે અલગ કર્યા બાદ પ્રોપલ્શન મોડ્યુલમાં પેલોડ ’સ્પેક્ટ્રો-પોલરીમેટ્રી ઓફ હેબિટેબલ પ્લેનેટ અર્થ’ ને પણ સંચાલિત કરવામાં આવ્યું.