- ગવરીદળમાં વિદેશી શાકભાજીના વાવેતરમાં ભેલાણ
Rajkot News
કુવાડવા તાબેના ગવરીદળ ગામે ત્રણ શખ્સે તેના ઢોર બીજાના ખેતરમાં છૂટા મૂકી વિદેશી શાકભાજીના વાવેતરમાં ભેલાણ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગવરીદળના ખોડિયાર પાર્કમાં રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ સાવલિયા નામના ખેડૂતે નોંધાવેલી ફરિયાદ મુજબ, તે છેલ્લા પાંચ વર્ષથી એક્ઝોટિક વેજિટેબલ (વિદેશી શાકભાજી)ની ખેતી કરે છે. હાલની ઋતુ મુજબ વિદેશીશાકભાજીનું ખેતરમાં વાવેતર કર્યું છે.
ખેતર ફરતે તારની ફેન્સિંગ કરી છે. દરમિયાન ગુરુવારે સવારે શેઢા પાડોશીએ ફોન કરી તમારા ખેતરમાં ભેંસ, ગાય અને ઘેટાં- બકરાંનું મોટું ધણ ચરતું હોવાની વાત કરી હતી. જેથી પોતે પુત્ર સાથે તુરંત ખેતરે દોડી ગયા હતા. ખેતરે જતા અમારા ગામનો રાહુલ ગોવિંદ ટોળિયા, હિતેશ પુંજા ટોળિયા, રાયધન બેચર શિયાળ જોવા મળ્યા હતા. ત્રણેયને કોને પૂછીને ખેતરમાં ઢોરને છૂટા મૂકયા છે. ત્યારે લાજવાને બદલે ત્રણેયગાજવા લાગી કોઇને પૂછયું નથી,
અમારી મરજીથી તારા ખેતરમાં ઢોર ચરાવીએ છીએ, તારાથી થાય તે કરી લે તેમ કહી ગાળો ભાંડવા લાગ્યા હતા. જેથી પોલીસને ફોન કરતા ત્રણેય શખ્સ તેમના ઢોર લઇને જતા રહ્યાં હતા. જતાં જતાં ફરિયાદ કરી તો જાનથી મારી નાંખીશુંની ધમકી આપી હતી. ત્રણેય શખ્સના ઢોરે ખેતરમાં કરેલા ભેલાણથી અંદાજિત એક લાખની કિંમતના વિદેશી શાકભાજીનું સત્યનાશ થઇ ગયું છે. કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો છે.