Abtak Media Google News

અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ અને અન્ય બેચના ઉમેદવારોને ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે

અગ્નિવિરો માટે સરકારે વધુ એક જાહેરાત કરી છે. તેઓને પોતાની નોકરી પૂર્ણ કર્યા બાદ સીઆઈએસએફમાં પણ નોકરી મેળવવાની તક મળશે.  આ માટે સીઆઈએસએફમાં 10 ટકા અનામત રાખવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સીઆઈએસએફમાં ખાલી જગ્યાઓની ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની પણ જાહેરાત કરી છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે અગ્નિવીરોની બીએસએફની ભરતીમાં આવી જ જાહેરાત કરી હતી. આ ઉપરાંત મંત્રાલયે અગ્નિવીરોની ઉપલી વય મર્યાદામાં છૂટછાટની પણ જાહેરાત કરી છે જે અગ્નિવીરોની પ્રથમ બેચ અથવા પછીની બેચના આધારે ઉપલબ્ધ થશે

મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ભૂતપૂર્વ અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા પાંચ વર્ષ સુધી અને અન્ય બેચના ઉમેદવારો માટે ત્રણ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ અગ્નિવીરોને પણ ફિઝિકલ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમને ફિઝિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે નહીં. આ માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એક્ટ 1968 હેઠળ બનાવેલા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. એક નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવ્યુ છે કે 10 ટકા પોસ્ટ્સ ભૂતપૂર્વ સૈનિકો માટે અનામત રાખવામાં આવશે.

કેન્દ્ર સરકારે ગયા વર્ષે 14 જૂનના રોજ આર્મી, નેવી અને એરફોર્સમાં 17થી 21.5 વર્ષની વયજૂથના યુવાનોની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ પ્રથમ ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ આધારે યુવાનોની ભરતી કરવામાં આવશે. આ અંતર્ગત સેનામાં ભરતી થનારા સૈનિકોને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.