મહાભારત શાંતિ પર્વના દાન-ધર્માનુશાસનમાં પણ શ્રાદ્વનો મહિમા વર્ણવાયો છે: ભાદરવા માસનો શુક્લ પક્ષ દેવોનો અને કૃષ્ણપક્ષ પિતૃઓનો ગણાય છે
25 સપ્ટેમ્બર સુધી માંગલિક કાર્યો થઇ શકે નહી, 26મીથી નવરાત્રિનો પ્રારંભ: શ્રાવણ-ભાદરવો અને આસો આ ત્રણ માસમાં સાતમ-આઠમથી શરૂ કરીને દિવાળી સુધીના તહેવારોની ઉજવણી
આપણા ગુજરાતી કેલેન્ડરના છેલ્લા ત્રણ મહિના શ્રાવણ, ભાદરવો અને આસો તહેવારોના મહિના ગણાય છે. સાતમ-આઠમના તહેવારો સાથે શિવજીની આરાધના, કૃષ્ણ જન્મોત્સવ, ગણેશોત્સવ, શ્રાદ્વનો માસ બાદમાં નવરાત્રી અને દિપોત્સવી પર્વ આવે છે. કાલથી શ્રાદ્વ પક્ષનો પ્રારંભ થાય છે. બ્રહ્માજીએ સૌ પ્રથમ શ્રાદ્વ વિધી સૃષ્ટિલોકમાં પ્રચલિત કર્યા બાદ મૃત્યુલોકમાં નિમિરાજાએ સૌ પ્રથમ પહેલી શ્રાદ્વ વિધી કરી હતી. પ્રાચિનકાળથી ચાલી આવતી આ પરંપરા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છુપાયેલા છે. મહાભારત શાંતિ પર્વના દાન-ધર્માનુશાસનમાં પણ શ્રાદ્વનો મહિમા વર્ણવાયો છે. ભાદરવા માસનો શુક્લ પક્ષ દેવોનો અને કૃષ્ણ પક્ષ પિતૃઓનો ગણાય છે. કાલથી 25મી સપ્ટેમ્બર સુધી માંગલિક પ્રસંગો થઇ શકશે નહી અને 26મીથી નવરાત્રી ઉત્સવનો પ્રારંભ થશે. આપણી સંસ્કૃતિ, પરંપરાઓ તહેવારોની ઉજવણી પાછળ આપણા મહાન ઋષિમુનિઓની વાત સાથે તેની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલ હોય છે.
શ્રાદ્વ પક્ષમાં ‘કાગડા’ની કાગવાસનું મહત્વ વિશેષ છે. ‘કાગવાસ’ પાછળની વાતમાં આપણાં પુરાણોની દ્રષ્ટિએ જોઇએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષ જેટલુ હોવાથી તેને આપણા પૂર્વજો જોયા છે એમ મનાય છે, તેથી તેને કાગવાસ નાખવાનો મહિમા છે બીજી વાત આ ભાદરવા મહિનામાં જ કાગડી સગર્ભા બને છે અને તેના બચ્ચાને જન્મ આપે છે. કાગડીને પુરતું ખોરાક કે અન્ન મળી રહે અને તેના સાથે તેના બચ્ચા પણ તૃપ્ત થાય તે માટે ઋષિમુનિઓની આ એક વ્યવસ્થા હતી. પિતૃઓને કાગવાસ અને પીપળાના વૃક્ષને પાણી પાવાનો મહિમા છે. આ પાછળ પણ એક માન્યતા એવી છે કે કાગડાના ચરકમાંથી આ વટવૃક્ષને પાણી પાવાનો મહિમા છે. આ પાછળ પણ એક માન્યતા એવી છે કે કાગડાના ચરકમાંથી આ વટવૃક્ષ કે પીપળાનું સર્જન થાય છે. આ વૃક્ષ સૌથી વધારે ઓક્સિજન આપે છે તેથી પણ વૈજ્ઞાનિક અભિગમ સાથેની પરંપરા ચાલી આવી છે.
ગુજરાતના ત્રણ સ્થળોએ પિતૃ તર્પણની વિધી થાય છે જેમાં પ્રભાસ પાટણ પ્રાંચીમાં પિતૃ તર્પણ અને સિધ્ધપુરમાં માતૃ તર્પણ થાય છે. મોરબી પાસે આવેલ રફાળેશ્ર્વર મંદિરે માતૃ અને પિતૃ તર્પણ બન્ને એક સાથે વિધી થાય છે. આ સ્થળોની પવિત્ર ભૂમિ ઉપર ધાર્મિક વિધી કરીને બ્રહ્મકુંડમાં સ્નાન કરી પારસ પિપળાને એક લોટો જળ ચઢાવીને પિતૃઓના મોક્ષ માટે વીધી કરાય છે. આ જગ્યાએજ કુંડમાં ગંગાજી શ્રાવણી અમાસના દિવસે પ્રગટ થાય છે તેથી તેમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
આપણાં શાસ્ત્રો મુજબ પિતૃઓ માટે આપણે જે કાંઇ કાર્ય શ્રધ્ધાથી કરીએ તેને શ્રાદ્વ કહેવાય છે. આ કાર્યમાં શ્રધ્ધા હોવી જરૂરી છે. પૃથ્વી પરનાં વસતા મનુષ્ય માત્ર ઉપર દેવઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ જેવા ત્રણ પ્રકારના ઋણ હોય છે. શ્રાદ્વનો મહિમા જ એ છે કે આપણે આપણા વડવાઓને શ્રધ્ધા સુમન અર્પીએ. બધા જ પ્રકારના શ્રાદ્વ ઉત્તમ ગણાય છે પણ અમુક શ્રાદ્વનું વિશેષ મહત્વ છે. કૃષ્ણપક્ષનું એકમનું શ્રાદ્વ સંતતિ પ્રદાન કરે છે. ભાદરવો આખો માસ આ વિધિઓ માટેનો પવિત્ર ગણાય છે. અમાવસ્યાનું શ્રાદ્વએ સર્વ મનોકામના પુર્ણ કરે છે.
શ્રાદ્વમાં દુધપાક અને ખીરનું મહત્વ પણ વૈજ્ઞાનિક કારણો સાથે જોડાયેલું છે, આજ દુધ ભાદરવાના કૃષ્ણપક્ષથી શરૂ કરીને શરદ પૂર્ણીમાં દુધ-પૌવા સુધીનું મહત્વ છે. આ વાતાવરણમાં આયુર્વેદની રીતે જોઇએ તો એસીડીટી જેવા રોગોને નાશ કરે છે. આપણા પૌરાણિક ગ્રંથ વિષ્ણુપુરાણમાં પણ દુધપાક ભોજન પિતૃઓને તૃપ્ત કરવાની વાત કરે છે. ધર્મ સિંધુમાં કહેવાયું છે કે શ્રાદ્વ કરવાથી બે હજાર વર્ષો સુધી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે.
આપણને પ્રશ્ન થાય કે શ્રાદ્વ પક્ષમાં આપણાં પૂર્વએ ખરેખર કાગડાના રૂપમાં આવીને આપણી ‘કાગવાસ’ જમતા હશે તો તેના વિશે પણ ઘણી લોકવાયકા પ્રચલિત છે. આપણાં શાસ્ત્રોમાં કાગડો અને પીપળાને પિતાનું પ્રતિક માનવામાં આવે છે, તેથી કાગડાને ભોજન અને પિપળાને પાણી પાવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે. શાસ્ત્રો અનુસાર કોઇપણ સક્ષમ આત્મા કાગડાના શરીરમાં ભ્રમણ કરી શકે છે. એક વાત એવી પણ છે કે જ્યારે આત્મા નીકળે છે ત્યારે પ્રથમ તે કાગડાનું સ્વરૂપ ધારણ કરે છે. કાગડાને યમરાજાનું પ્રતિક પણ ગણાય છે. એક ધાર્મિક માન્યતાઓ અનુસાર કાગડાને પણ ભગવાનના પુત્રો માનવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પક્ષીઓમાં એકમાત્ર કાગડાને ભવિષ્યમાં બનનારી ઘટનાની જાણ પ્રથમ થાય છે. કાગડા વિશેની સૌથી અચરજ પમાડે તેવી દંતકથામાં તે આ પક્ષીએ અમૃતનો સ્વાદ ચાખ્યો હોવાથી કાગડો ક્યારેય કુદરતી રીતે મૃત્યુ પામતો નથી. તેનું મૃત્યુ રોગ અને વૃધ્ધાવસ્થા સાથે આકસ્મિક જ થાય છે. જ્યારે જૂથમાં રહેતા એક કાગડાનું મૃત્યુ થાય ત્યારે તેના કોઇ સાક્ષીઓ ખોરાક ખાતા નથી. કાગડાઓ ભેગા મળીને ખોરાક લે છે એકલા ખાતા નથી. કાગડો થાક્યા વગર ઘણું ઉડી શકે છે અને ખૂબ જ દુર્લભ ગણાતો સફેદ કલરનો કાગડો પણ હોય છે.
આપણાં મહાન મંદિરો કે નદીઓના ઘાટ ઉપર પંડિતો આપણી સાત પેઢીના નામ શોધી આપે છે. આજના યુગમાં પણ કમ્પ્યૂટર વગર 150 વર્ષ જૂના પુસ્તકો દ્વારા જ એક જ ક્ષણમાં આપણને માહિતી આપે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર અવંતિ કા શહેર જે આજે ઉજ્જૈન નગરી તરીકે ઓળખાય છે ત્યાં શ્રાદ્વપક્ષ શરૂ થતાં સમગ્ર દેશમાં લોકો આ સ્થળે વિધી માટે આવે છે. ક્ષીપ્રા નદીને મોક્ષની દાતા માનવામાં આવે છે. આપણાં દેશમાં બિંદુ સરોવર માતૃ શ્રાદ્વ માટે પ્રખ્યાત ગણા છે. અર્પણ, તર્પણ અને સમર્પણ એટલે માતૃશ્રાદ્વ. તર્પણથી તૃપ્તિ અને માતૃઓની મુક્તિ સમા આ બિંદુ સરોવરમાં 33 કરોડ દેવતાઓનું મોસાળ ગણવામાં આવે છે. આ સરોવર સાથે મહર્ષિ કદમ અને માતા દેવહૂતિની વાત જોડાયેલી છે.
આપણાં જુનાગઢના દામોકુંડનું પણ શ્રાદ્વ પક્ષમાં વિશેષ મહત્વ છે. આ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણનું પિંડદાન અને નરસિંહ મહેતાના પિતા દામોદરજી દ્વારા શ્રાદ્વ કર્મ થયું હતું. પિતૃ તર્પણ માટે આ કુંડને પવિત્ર માનવામાં આવે છે. શ્રાદ્વ પક્ષને ‘પિત્રુપક્ષ’ પણ કહેવાય છે. આ પવિત્ર માસ ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થઇને અશ્ર્વિન (આસો) મહિનાની નવી ચંદ્ર સુધી ચાલુ રહે છે. મહાભારતના કાળમાં પણ શ્રાદ્વનું વર્ણન છે, ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને શ્રાદ્વ વિશે વાત કરી હતી.
શાસ્ત્રોમાં કાગડા અને પીપળાને પિતાનું પ્રતિક મનાય છે
શાસ્ત્રો અનુસાર કોઇપણ સક્ષમ આત્મા કાગડાના શરીરમાં પ્રવેશ કરી છે. કાગડો અને પીપળને પિતાનું પ્રતિક માનવામાં આવે છે. કાગડાને મુલાકાતી અને પૂર્વજોના આશ્રયનું સુચક માનવામાં આવે છે. કાગડો ભવિષ્યમાં બનનારી ઘટનાથી પહેલેથી વાકેફ હોય છે. તે યમરાજનું પ્રતિક મનાય છે. આપણાં પુરાણોની દ્રષ્ટિએ વાત કરીએ તો કાગડાનું આયુષ્ય બસો વર્ષ જેટલું હોવાથી તેણે આપણાં પૂર્વજોને જોયા છે એમ માની શકાય અને તેથી ‘કાગવાસ’ નાંખવાનો મહિમા છે. વિષ્ણુ પુરાણ અનુસાર દુધપાકનું ભોજનએ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે.
ગુજરાતના આ સ્થળોએ થાય છે પિતૃ તર્પણ
આપણાં ગુજરાતમાં આ સ્થળોએ પિતૃ તર્પણવિધી થાય છે. જેમાં પ્રભાસ-પાટણ પ્રાંચીમાં પિતૃ તર્પણ, સિધ્ધપુરમાં માતૃ તર્પણ થાય છે. જો કે મોરબી પાસેના રફાળેશ્ર્વર મહાદેવ મંદિરે માતૃ અને પિતૃ તર્પણ બન્ને એક સાથે થાય છે. આ ધાર્મિક વિધી બાદ બ્રહ્મકુંડમાં સ્નાન કરીને પારસ પિપળે પાણી ચડાવાય છે. ભગવાન શ્રીકૃષ્ણનું પિંડદાન અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્વ થયું તે સ્થળ જુનાગઢનો દામોદર કુંડ છે. આ જગ્યા શ્રાદ્વ પક્ષમાં ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. પિતૃ તર્પણ માટે આ કુંડને અતિ પવિત્ર ગણવામાં આવે છે.